મુંબઈ પોલીસે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સંસ્થાપક અભિજીત દીપકેને મોટો ઝટકો આપ્યો છે. પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે 2 ઓક્ટોબરથી શિવાજી પાર્ક ખાતે વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી હતી, પરંતુ પોલીસે તેને મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
પોલીસે જણાવ્યું કે, PIL 116/2009 મામલે બોમ્બે હાઈકોર્ટના 4 જાન્યુઆરી 2013ના ચુકાદા અને ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારના 20 જાન્યુઆરી 2016ના આદેશ અનુસાર શિવાજી પાર્કમાં કોઈ પણ પ્રકારની સભા કે વિરોધ પ્રદર્શન કરવા પર મનાઈ છે. તેથી પોલીસને આ કાર્યક્રમને મંજૂરી આપવાનો અધિકાર નથી. પોલીસે અરજદાર અજિંક્ય શિંદેને આ પરિસ્થિતિ સમજાવી છે અને સલાહ આપી છે કે તેઓ વિરોધ પ્રદર્શન માટે મુંબઈના અન્ય વૈકલ્પિક સ્થળો પસંદ કરીને નવી અરજી કરે, જેના પર નિયમ મુજબ વિચારણા કરવામાં આવશે.
પોલીસના આ નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કરતા અભિજીત દીપકેએ જણાવ્યું છે કે, જો તેમને શાંતિપૂર્ણ વિરોધ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે, તો તેઓ ગાંધી જયંતિના દિવસથી મુંબઈમાં 'જેલ ભરો આંદોલન' શરૂ કરશે.
દીપકેએ વળતો સવાલ ઉઠાવ્યો હતો કે, જો નિયમો આવા જ છે, તો પછી એકનાથ શિંદેને શિવાજી પાર્કમાં સભા કરવાની મંજૂરી કેવી રીતે મળી હતી. તેમણે પોતાના દાવાના સમર્થનમાં એકનાથ શિંદેના 12 જાન્યુઆરીના ભાષણનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.