સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈ પોલીસનો ખુલાસો: આમિર ખાન ધમકી કેસ, બિશ્નોઈ, ગેરકાયદે પ્રવાસીઓ સહિત અનેક મુદ્દા

મુંબઈ પોલીસનો ખુલાસો: આમિર ખાન ધમકી કેસ, બિશ્નોઈ, ગેરકાયદે પ્રવાસીઓ સહિત અનેક મુદ્દા

મુંબઈ પોલીસ કમિશનર દેવેંન ભારતીએ મીડિયા સાથેની વાતચીતમાં શહેરની કાયદો-વ્યવસ્થા અને પોલીસની કાર્યવાહી અંગે અનેક મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે અભિનેતા આમિર ખાનને મળેલી કથિત ધમકી, લોરેન્સ બિશ્નોઈ, ગેરકાયદે બાંગ્લાદેશી પ્રવાસીઓ, ડ્રગ્સ, સાયબર ક્રાઈમ, ટ્રાફિક અને વોન્ટેડ ગુનેગારો સામેની કાર્યવાહી અંગે પોલીસનું વલણ સ્પષ્ટ કર્યું છે.

આમિર ખાનને કથિત ધમકીના મામલે તપાસ ચાલુ

બાબા સિદ્દીકી હત્યાકાંડ સાથે જોડાયેલા આરોપી જીશાન અખ્તર તરફથી અભિનેતા આમિર ખાનને કથિત ધમકી આપવામાં આવી હોવાના મામલે દેવેંન ભારતીએ જણાવ્યું કે, પોલીસ તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, VOIPના માધ્યમથી આ પ્રકારના કોલ કરવામાં આવી રહ્યા છે. પોલીસ એ તપાસી રહી છે કે ધમકીભર્યા કોલ ફેક છે કે ખરેખર ગંભીર છે. ફરિયાદ મળ્યા બાદ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જીશાન સિદ્દીકીને પહેલેથી જ સુરક્ષા આપવામાં આવી છે.

લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી લેવાનો પ્રયાસ

લોરેન્સ બિશ્નોઈ અંગે પોલીસ કમિશનરે કહ્યું કે, મુંબઈ પોલીસ તેની કસ્ટડી લઈને તપાસ કરવા માંગે છે. જોકે, જ્યાં સુધી કોર્ટનો વર્તમાન આદેશ રદ ન થાય ત્યાં સુધી પોલીસને રાહ જોવી પડશે. તેમણે કહ્યું કે મુંબઈ પોલીસે અંડરવર્લ્ડ સામે સતત કાર્યવાહી કરી છે અને તેના કારણે હાલમાં મુંબઈમાં કોઈ સક્રિય અંડરવર્લ્ડ નથી.

પાયધુની મામલે કાવતરાના પુરાવા નથી

પાયધુનીમાં તરબૂચ સાથે જોડાયેલા મોતના મામલામાં દેવેંન ભારતીએ કહ્યું કે, તપાસમાં અત્યાર સુધી કોઈ કાવતરું કે અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હોવાના પુરાવા મળ્યા નથી.

TISSમાં નારાબાજીના મામલે એકની ધરપકડ

જી.એન. સાઈબાબાની ડેથ એનિવર્સરી દરમિયાન TISSમાં કથિત નારાબાજીના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. અન્ય એક આરોપી વોન્ટેડ હતો, પરંતુ તેને કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે.

ગેરકાયદે બાંગ્લાદેશી પ્રવાસીઓ સામે કાર્યવાહી તેજ

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, 2024માં 326, 2025માં 1,161 અને 2026માં અત્યાર સુધીમાં 1,066 ગેરકાયદે બાંગ્લાદેશી પ્રવાસીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ડિપોર્ટેશન ડિટેન્શન સેન્ટર પણ હવે શરૂ થઈ ગયું છે.

સાયબર ફ્રોડમાં 186 કરોડ રૂપિયા બચાવ્યા

ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડને લઈને મુંબઈ પોલીસે મોટા પાયે જાગૃતિ અભિયાન ચલાવ્યું છે. 1930 હેલ્પલાઇન અંગે જાગૃતિ ફેલાવવાની સાથે વરિષ્ઠ નાગરિકોના ઘરે-ઘરે જઈને પણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. શાળા-કોલેજોમાં પણ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 2022માં ફ્રોડની રકમમાંથી 4.9 ટકા રકમ ફ્રીઝ કરવામાં આવી હતી, જ્યારે 2026માં આ આંકડો વધીને 28 ટકા થયો છે. આ વર્ષે 186 કરોડ રૂપિયા ફ્રીઝ કરીને પીડિતોના પૈસા બચાવવામાં આવ્યા છે.

ડ્રગ્સ સામે કડક કાર્યવાહી

મુંબઈ પોલીસે ડ્રગ્સ જપ્ત કરવાની 1,606 કાર્યવાહી કરી છે, જેમાં મોટાભાગના કેસ MD સાથે જોડાયેલા છે. ડ્રગ પેડલર્સ સામે કડક કાર્યવાહી કરતાં ત્રણ કેસમાં 34 આરોપીઓ સામે MCOCA લગાવવામાં આવ્યો છે, જ્યારે PIT-NDPS હેઠળ 13 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મોબાઈલ ચોરીના કેસમાં 51 ટકા રિકવરી

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોરી થયેલા મોબાઈલ ફોનમાંથી 51 ટકા મોબાઈલની રિકવરી કરવામાં આવી છે. મોબાઈલ ચોરી સામેનું અભિયાન આગળ પણ ચાલુ રહેશે.

શાળા-કોલેજની આસપાસ પાનના ગલ્લા સામે કાર્યવાહી

પોલીસ કમિશનરે કહ્યું કે શાળા અને કોલેજોની આસપાસ પાનના ગલ્લા અને સ્ટોલ ન હોવા જોઈએ. આવા પાન વેચનારાઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે.

ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે 433 કરોડના ઈ-ચલણ

2026માં અત્યાર સુધી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે 433 કરોડ રૂપિયાના ઈ-ચલણ જારી કરવામાં આવ્યા છે. પોલીસ 24 પ્રકારના ટ્રાફિક ઉલ્લંઘનો સામે કાર્યવાહી કરી રહી છે.

754 ગુનેગારોને તડીપાર, 66 સામે MCOCA

આદતી ગુનેગારો સામેની કાર્યવાહી અંતર્ગત 2026માં અત્યાર સુધી 754 ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા છે. ગંભીર ગુનાઓમાં 66 આરોપીઓ સામે MCOCA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

559 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ

મુંબઈ પોલીસે 2026માં અત્યાર સુધી 559 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં 20 વર્ષથી વધુ સમયથી વોન્ટેડ 54 આરોપીઓ, 10થી 15 વર્ષથી વોન્ટેડ 36 આરોપીઓ અને 5થી 10 વર્ષથી વોન્ટેડ 58 આરોપીઓ સામેલ છે. આ ઉપરાંત 5 વર્ષથી વધુ સમયથી વોન્ટેડ રહેલા 385 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

દિશા સાલિયાન કેસમાં CBI સાથે સંપર્ક નહિં

દિશા સાલિયાન કેસની તપાસ CBIને સોંપવાના મુદ્દે દેવેંન ભારતીએ કહ્યું કે, પોલીસે કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરી દીધો છે. કોર્ટે શું કહ્યું છે, તેના પર તેઓ કોઈ ટિપ્પણી કરી શકે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી CBIએ મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો નથી.