સત્ય. સાહસ. સંકલ્પ.

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ બાદ મુંબઈ પોલીસની એડવાઈઝરી: કલાકારોને ભીડ અને ફેન ગેધરિંગથી દૂર રહેવા સૂચના

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ બાદ મુંબઈ પોલીસની એડવાઈઝરી: કલાકારોને ભીડ અને ફેન ગેધરિંગથી દૂર રહેવા સૂચના

મુંબઈ: બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ બાદ મુંબઈ પોલીસે ફિલ્મ કલાકારો માટે સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે. પોલીસે તમામ કલાકારોને ભીડભાડવાળી જાહેર જગ્યાઓએ જવાનું ટાળવા અને ફેન્સ સાથે જાહેરમાં મુલાકાત કે મેળાવડા ન કરવા સૂચના આપી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એડવાઈઝરી સેલિબ્રિટીઝની સુરક્ષા અંગે વધી રહેલી ચિંતાને ધ્યાનમાં રાખીને એક સાવચેતીના પગલા તરીકે જાહેર કરવામાં આવી છે. કલાકારોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ ભીડમાં જવાનું ટાળે અને ફેન ગેધરિંગ્સથી દૂર રહે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

ઉલ્લેખનીય છે કે, 18 ઓક્ટોબરે ટાઇગર શ્રોફની કાર પર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ટાઇગર શ્રોફ ચમત્કારિક રીતે ઈજા વગર બચી ગયો હતો. આ ઘટના બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મુંબઈના ઘણા જાણીતા કલાકારો અને હસ્તીઓના ઘરોની ગુપ્ત રીતે જાસૂસી કરવામાં આવી રહી હતી.

આ સંદર્ભમાં અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલા ‘જલસા’ બહાર પણ સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી. વર્ષોથી રવિવારે ઘર બહાર એકઠા થતા ફેન્સનું અભિવાદન કરતા અમિતાભ બચ્ચન ગયા અઠવાડિયે બુલેટપ્રૂફ ગ્લાસ પાછળ ઊભા રહીને ચાહકોને હાથ હલાવતા નજરે પડ્યા હતા. આ ઘટનાએ સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચા જગાવી હતી.

બીજી તરફ, મીડિયા અહેવાલો અનુસાર બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા શખ્સો તરફથી ધમકીઓ મળી રહી છે. ગયા અઠવાડિયે અભિનેતા આયુષ્માન ખુરાનાને એક ધમકીભર્યો ઓડિયો મેસેજ મળ્યો હતો, જેમાં પોતાને લોરેન્સ બિશ્નોઈનો સાગરીત ગણાવતા શખ્સે કરોડો રૂપિયાની ખંડણીની માંગ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.