મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પહેલા બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક શંકાસ્પદે પોતાને વડાપ્રધાન કાર્યાલય (PMO)નો અધિકારી ગણાવીને નકલી ID કાર્ડ બતાવ્યું હતું.
અટકાયત કરાયેલા શંકાસ્પદની ઓળખ 24 વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે. તેની સાથે એક બોડીગાર્ડ પણ હતો, જેની પાસેથી બંદૂક મળી આવી હતી. સુરક્ષા તપાસ દરમિયાન ઓળખપત્ર નકલી હોવાનું માલૂમ પડ્યું હતું.
મુંબઈ પોલીસે જણાવ્યું કે આરોપી ગઈકાલે નકલી ઓળખપત્ર લઈને વેન્યુની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ચેકિંગ દરમિયાન તેનું ઓળખપત્ર નકલી મળી આવ્યું હતું. BKC પોલીસ સ્ટેશનમાં બંને શંકાસ્પદો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ આગળની તપાસ કરી રહી છે. આ લોકો નકલી ઓળખપત્ર અને હથિયાર સાથે કેમ આવ્યા હતા તે હેતુ અંગે તપાસ કરવામાં આવી રહી છે. બંનેને ટૂંક સમયમાં મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન મોદી BKCના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026નો પ્રારંભ કરાવવાના છે અને તેમણે કાર્યક્રમને સંબોધિત પણ કરવાનું છે. NMACCમાં પણ PMનો કાર્યક્રમ પ્રસ્તાવિત હોવાનું જણાવવામાં આવ્યું છે.