સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈના 108 વર્ષ જૂના ઓલિમ્પિયા કોફી હાઉસનું લાઇસન્સ સસ્પેન્ડ: રસોડામાં યુરિનલ, ફ્રિજમાં લોહી અને કોકરોચ મળ્યા

મુંબઈના 108 વર્ષ જૂના ઓલિમ્પિયા કોફી હાઉસનું લાઇસન્સ સસ્પેન્ડ: રસોડામાં યુરિનલ, ફ્રિજમાં લોહી અને કોકરોચ મળ્યા

મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલા 108 વર્ષ જૂના પ્રસિદ્ધ ઓલિમ્પિયા કોફી હાઉસનું ફૂડ લાઇસન્સ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ સસ્પેન્ડ કરી દીધું છે. FDAની તપાસમાં આ રેસ્ટોરન્ટમાં ખોરાકના સંગ્રહ અને સ્વચ્છતાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન જોવા મળ્યું છે.

FDA અનુસાર, રેસ્ટોરન્ટના ફૂડ સ્ટોરેજ વિસ્તારમાં યુરિનલ મળી આવ્યું હતું. ઉપરાંત, કોકરોચ અને માખીઓનો ઉપદ્રવ પણ જોવા મળ્યો હતો. ફ્રિજની અંદર મીટનું લોહી પડ્યું હતું અને કાચા શાકાહારી તથા માંસાહારી ખોરાકને અલગ રાખવાની યોગ્ય વ્યવસ્થા નહોતી.

16 સપ્ટેમ્બરે એક ગ્રાહકની ફરિયાદ બાદ FDAની ટીમે ઓલિમ્પિયા કોફી હાઉસનું નિરીક્ષણ કર્યું હતું. તપાસમાં ખોરાકને જમીન પર રાખવો, ગંદા પાણીનો ઉપયોગ કરવો અને અસ્વચ્છ રીતે ખોરાક બનાવવો જેવી ખામીઓ મળી આવી હતી. વાસણો ધોવાની જગ્યા ગંદી હતી અને ખોરાક કાપવા માટેના લાકડાના ચોપિંગ બોર્ડ પણ ખરાબ હાલતમાં હતા. કર્મચારીઓ માટે જરૂરી સુરક્ષાત્મક કપડાં પણ મળ્યાં નહોતાં.

FDA મુજબ, રેસ્ટોરન્ટમાં 35 ફૂડ હેન્ડલર કામ કરે છે. તેમાંથી 34 લોકોએ જરૂરી ફૂડ સેફ્ટી ટ્રેનિંગ લીધી નહોતી. તપાસ દરમિયાન પાણીનો ફરજિયાત અહેવાલ અને સેનિટેશન રેકોર્ડ પણ મળ્યા નહોતા.

આ ખામીઓને કારણે FDAએ ફૂડ લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધું છે. જ્યાં સુધી લાઇસન્સ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટ ખોરાક ખરીદી, બનાવી, સંગ્રહિત, વેચી કે વિતરિત કરી શકશે નહીં. ખામીઓ દૂર કર્યા બાદ અને FDAની ફરીથી તપાસ પછી જ આગળનો નિર્ણય લેવામાં આવશે.

1918માં શરૂ થયેલું ઓલિમ્પિયા કોફી હાઉસ મુંબઈના જૂના જાણીતા કૅફેમાં સામેલ છે. આ વર્ષે જુલાઈમાં હોલિવૂડ અભિનેતા ટોમ હોલેન્ડ અને મૅટ ડેમન સાથે ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલન પણ અહીં આવ્યા હતા.

મહારાષ્ટ્ર FDAએ મુંબઈના મિલન પંજાબ, સદગુરુ સ્વીટ્સ, વિશ્વાસ સ્વીટ્સ એન્ડ સ્નેક્સ, બ્લિંક કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ અને એ-1 જનરલ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ સહિત અનેક પ્રતિષ્ઠાનોના લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ કર્યા છે. પુણેની 4 અને નાગપુરની 2 રેસ્ટોરાં સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

FDAએ મુંબઈ સેન્ટ્રલ સ્થિત નાયર હોસ્પિટલની કેન્ટીનનું લાઇસન્સ પણ તાત્કાલિક સસ્પેન્ડ કર્યું છે. તપાસમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું. FDA અનુસાર, દર્દીઓ અને સામાન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. કેન્ટીન સામે આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.

તહેવારો પહેલાં FDAએ ખાદ્ય પદાર્થોની તપાસ વધારી દીધી છે. વિભાગ મુજબ, સમગ્ર રાજ્યમાં 2,813 કિલો દૂધ અને ડેરી ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા, જેની કિંમત આશરે 7.38 લાખ રૂપિયા હતી. મુંબઈમાં 479 કિલો ખુલ્લો ખોયા અને 958 કિલો મીઠો માવો જપ્ત કરવામાં આવ્યો. આ સામગ્રીને અસ્વચ્છ હાલતમાં લઈ જતું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું. પાલઘરમાં 174 કિલો મીઠો માવો પણ જપ્ત થયો.

FDAએ છેલ્લા 3 મહિનામાં સમગ્ર રાજ્યમાં 1,800થી વધુ હોટેલ, ક્લબ અને ઢાબાની તપાસ કરી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 199 સંસ્થાનોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા અને 948 સુધારા નોટિસ જારી કરવામાં આવી. તપાસમાં ખાસ કરીને કોલ્ડ-ચેન અને સેનિટેશન સંબંધિત ખામીઓ જોવા મળી.