સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈથી ગુમ થયેલી બે સગીરાઓ અમદાવાદના સાબરમતી સ્ટેશનેથી સુરક્ષિત મળી

મુંબઈથી ગુમ થયેલી બે સગીરાઓ અમદાવાદના સાબરમતી સ્ટેશનેથી સુરક્ષિત મળી

મુંબઈમાં રહેતી 15 અને 12 વર્ષની બે સગીરાઓ સ્કૂલે જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી અને પછી લાપતા થઈ ગઈ હતી. પરિવારે શોધખોળ કરી, પણ બંને ન મળતાં મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મુંબઈથી નીકળ્યા બાદ બંને છોકરીઓ બીજી ટ્રેનમાં ઉત્તર ભારત પહોંચી ગઈ હતી.

મુંબઈ પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે ખબર પડી કે બંને છોકરીઓ ટ્રેન નંબર 19402 લખનઉ–સાબરમતી એક્સપ્રેસમાં અમદાવાદ તરફ આવી રહી છે. મુંબઈ પોલીસે તરત જ અમદાવાદ રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને બંનેના ફોટા તથા મુસાફરીની વિગતો આપી.

રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ રેલવેની ટીમે સાબરમતી રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી દીધી. રાત્રે 11.05 વાગ્યે લખનઉ–સાબરમતી એક્સપ્રેસ સાબરમતી સ્ટેશને પહોંચતાં જ પોલીસે બંને સગીરાઓને ઓળખીને સુરક્ષિત રીતે પોતાના સંરક્ષણમાં લીધી.

બાળકીઓ મળી આવતાં અમદાવાદ રેલવે પોલીસે મુંબઈ પોલીસને જાણ કરી. પછી મુંબઈ પોલીસની ટીમ અને બાળકીઓના વાલીઓ અમદાવાદ આવ્યા. જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંને સગીરાઓને તેમના વાલીઓને સોંપવામાં આવી. પરિવારે રાહત અનુભવી.