સત્ય. સાહસ. સંકલ્પ.

અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજને બોમ્બથી ઉડાવવાની ધમકી, મુંબઈ મેયરને મળ્યો ઇમેઇલ

અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજને બોમ્બથી ઉડાવવાની ધમકી, મુંબઈ મેયરને મળ્યો ઇમેઇલ

મુંબઈ: બોલિવૂડ સ્ટાર ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગના કેટલાક દિવસ પછી, બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મુંબઈના મેયર રિતુ તાવડેને મળ્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

ધમકીભર્યા ઇમેઇલમાં અમિતાભ બચ્ચનના 'જલસા' બંગલા પર બોમ્બ હુમલાની ચેતવણી આપવામાં આવી છે. ઇમેઇલ મોકલનારનો દાવો છે કે આ હુમલો 1984ના 'ઓપરેશન બ્લૂ સ્ટાર'નો બદલો હશે. ધમકીમાં કહેવામાં આવ્યું છે કે 31 ઓક્ટોબરથી 27 નવેમ્બર વચ્ચે ગમે ત્યારે બંગલાને નિશાન બનાવી શકાય છે. આ જ ઇમેઇલમાં દિલજીત દોસાંજને પણ ધમકી આપવામાં આવી છે.

ઇમેઇલ મોકલનારે ખાલિસ્તાન-સમર્થક નારાઓનો ઉપયોગ કર્યો છે અને 1984ના શીખ-વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે આ હુમલા એ લોકો સામે બદલો લેવા માટે કરવામાં આવી રહ્યા છે, જેમના પર શીખ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ છે. ઇમેઇલ મોકલનારની ઓળખની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી, અને આ ધમકીઓ હાલમાં માત્ર ઇમેઇલમાં લગાવવામાં આવેલા આરોપો પૂરતી જ છે.

ધમકીભર્યા ઇમેઇલમાં દિલજીતને નિશાન બનાવવાની પાછળ તેના દ્વારા અમિતાભ બચ્ચનના પગે લાગવાનું કારણ જણાવવામાં આવ્યું છે. મેઇલમાં લખ્યું છે કે 27 નવેમ્બરે દિલજીતને મહાલક્ષ્મી રેસકોર્સમાં બોમ્બ અને આત્મઘાતી હુમલામાં મારવાના છે, કારણ કે તેણે શીખોની નરસંહાર કરનાર અમિતાભ બચ્ચનને પગે લાગ્યો હતો.

બીજી તરફ, શુક્રવારે દિલ્હી પછી મુંબઈના દાદર સ્થિત અનેક પ્રમુખ શાળાઓને પણ ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. માહિતી અનુસાર શુક્રવારે સવારે દાદરની આશરે 4 શાળાઓને આ ઇમેઇલ પ્રાપ્ત થયા. માહિતી મળતા જ મુંબઈ પોલીસે તુરંત શાળાઓની તલાશી લીધી. તલાશી અભિયાન દરમિયાન પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. જોકે, આ ધમકીભર્યા ઇમેઇલને કારણે થોડા સમય માટે શાળા પરિસરમાં તણાવનો માહોલ રહ્યો હતો. પોલીસ હાલમાં ઇમેઇલ મોકલનારની શોધખોળ કરી રહી છે અને મામલાની તપાસ ચાલુ છે.