સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલ પાસે કરંટ લાગવાથી 8 વર્ષની બાળકી સહિત બેના મોત

મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલ પાસે કરંટ લાગવાથી 8 વર્ષની બાળકી સહિત બેના મોત

મુંબઈના લાલબાગ વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન એક કરુણ ઘટના બની છે. કાળાવચકીમાં દત્તારામ લાડ માર્ગ પર આવેલા કાળાવચકી વિભાગ સાર્વજનિક ઉત્સવ મંડળના પંડાલ પાસે અચાનક વીજ કરંટ ફેલાઈ ગયો હતો. ગત રાત્રે લગભગ 3 વાગ્યે બનેલી આ ઘટનામાં 8 વર્ષની બાળકી સહિત બે લોકોનાં મોત નીપજ્યાં છે.

આ અકસ્માતમાં અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં કિરણઅકબર નાઈક, તન્વી નરેશ, સાહિલ સંદીપ તારે અને રૂહી સિંહનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને તાત્કાલિક બાયકુલાની મસીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. લાલબાગમાં ગણેશોત્સવ દરમિયાન દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટતી હોય છે, ત્યારે આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ લાલબાગચા રાજા પંડાલ પાસે પુણેના એક યુવકનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. પ્રશાસને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.