ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 ની સીઝન શરૂ થાય તે પહેલાં મુંબઈ ઇન્ડિયન્સે તેના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફાર કર્યા છે. ટીમના સતત ખરાબ પ્રદર્શનને કારણે ફ્રેન્ચાઇઝીએ બોલિંગ કોચ લસિથ મલિંગા, પારસ મ્હામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ કાર્લ હોપકિન્સનને તાત્કાલિક અસરથી મુક્ત કર્યા છે.
આ પહેલાં મુખ્ય કોચ મહેલા જયવર્ધનને પણ હટાવવામાં આવ્યા હતા. આમ, મુંબઈ ઇન્ડિયન્સે અત્યાર સુધીમાં કુલ ચાર કોચ બદલ્યા છે. ટીમ છેલ્લી ત્રણ સીઝનથી સારું પ્રદર્શન કરી શકી નથી, જેના કારણે મેનેજમેન્ટે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
લસિથ મલિંગા લાંબા સમયથી મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયેલા છે. તેમણે 2009 થી 2019 સુધી ખેલાડી તરીકે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમને ચાર વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. IPL 2024 થી તેમને બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્રણ સીઝન સુધી બોલિંગ કોચ તરીકે સેવા આપ્યા બાદ હવે તેમને આ પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સે પણ તેની સપોર્ટ ટીમમાં ફેરફાર કર્યા હતા.