સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈ-ગોવા હાઈવેનું ઉદ્ઘાટન નહીં કરું, મને શરમ આવે છે: નીતિન ગડકરી

મુંબઈ-ગોવા હાઈવેનું ઉદ્ઘાટન નહીં કરું, મને શરમ આવે છે: નીતિન ગડકરી

કેન્દ્રીય રોડ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ મુંબઈ-ગોવા હાઈવે પ્રોજેક્ટમાં થયેલા વિલંબ અંગે ખુલીને શરમ વ્યક્ત કરી છે. ગોવામાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું, 'આ પ્રોજેક્ટ પૂરો થવામાં અપેક્ષા કરતાં ઘણો વધુ સમય લાગ્યો છે. આ વિલંબ બદલ મને શરમ અનુભવાય છે, તેથી હું હાઈવે પૂરો થયા પછી તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી નહીં આપું.'

મુંબઈ-ગોવા હાઈવે મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેનો મુખ્ય માર્ગ છે. જમીન સંપાદનની જટિલતા, ટેકનિકલ અડચણો અને અન્ય કારણોસર આ પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતાં ઘણો લાંબો ખેંચાયો. તેના કારણે સ્થાનિક લોકો અને રોજ મુસાફરી કરતા લોકોને વર્ષો સુધી ટ્રાફિકની તકલીફ સહેવી પડી.

ઉત્તર પણજીમાં ટ્રાફિક ઘટાડવા માટે બનેલા 5.15 કિલોમીટરના એલિવેટેડ રોડના લોકાર્પણ પ્રસંગે ગડકરીએ કહ્યું કે, 'આ હાઈવેના ઉદ્ઘાટન માટે હવે હું કોઈ શુભ મુહૂર્તની રાહ જોતો નથી. બાકીનું કામ જલદી પૂરું થશે તેવી આશા છે.' તેમણે જણાવ્યું કે હાઈવેનું 93-94 ટકા કામ પૂરું થઈ ગયું છે. આવતા ઓક્ટોબરમાં તેઓ પોતે મુંબઈ એરપોર્ટ પર ઉતરીને કારથી ગોવા જશે અને રસ્તાની સ્થિતિ તથા કામની ગુણવત્તાનું રૂબરૂ નિરીક્ષણ કરશે.

આ પ્રોજેક્ટ 15 વર્ષ પહેલાં, 2011માં શરૂ થયો હતો. જૂના ટુ-લેન માર્ગને ફોર-લેનમાં ફેરવવાનો હેતુ મુસાફરીનો સમય 12 કલાકથી ઘટાડીને 6 કલાક કરવાનો હતો. છતાં અત્યારે પણ કેટલાક મહત્ત્વના ભાગનું કામ બાકી છે. બનેલા કેટલાક રસ્તાઓ પર ખામી અને નુકસાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં કામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે.