મુંબઈમાં અચાનક હવામાન બદલાવાને કારણે અને ભારે તોફાની પવન ફૂંકાતાં હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ જોખમી બનતાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા સાંજે 06:50 થી રાત્રે 08:45 વાગ્યા સુધીમાં મુંબઈ જતી 9 ફ્લાઇટ્સને તાબડતોબ સુરત એરપોર્ટ તરફ વાળી દેવામાં આવી હતી.
સુરત એરપોર્ટ પ્રશાસને તરત જ ગ્રીન સિગ્નલ આપીને આ તમામ 9 વિમાનોમાં સવાર 1,482 મુસાફરોનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ફ્લાઇટ્સમાં ઇન્ડિગોની 6 અને એર ઇન્ડિયા ગ્રૂપની 3 ફ્લાઇટ્સ સામેલ હતી. ટેકનિકલ દ્રષ્ટિએ આ સુરત એરપોર્ટ માટે મોટો પડકાર હતો, કારણ કે લેન્ડ થયેલા વિમાનોમાં મોટા કદના એડવાન્સ્ડ એરક્રાફ્ટ સામેલ હતા. જેમાં એરબસ A321Neo (A21N)નાં 7 વિમાનો અને એરબસ A320Neo (A20N)નાં 2 વિમાનોનો સમાવેશ થાય છે. એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ અને પાર્કિંગ બેઝ દ્વારા આટલા મોટા વિમાનોનું સરળ સંચાલન કરાયું હતું. છેલ્લે રાત્રે 08:45 વાગ્યે ઉતરેલી કોઇમ્બતૂર-મુંબઈ ફ્લાઇટને એરપોર્ટના બે નંબર-04 (Bay No. 04) પર સુરક્ષિત પાર્ક કરવામાં આવી હતી.
આ અગાઉ 2 જૂન 2026ના રોજ અમદાવાદમાં ખરાબ હવામાનને કારણે એકસાથે 7 ફ્લાઇટ્સ સુરત ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે આજે મુંબઈની એકસાથે 9 ફ્લાઇટ્સનું સફળ લેન્ડિંગ કરાવીને સુરતે પોતાનો જૂનો રેકોર્ડ તોડી નવો ઇતિહાસ રચ્યો છે. સુરત હવે માત્ર નજીકનું વૈકલ્પિક એરપોર્ટ જ નથી રહ્યું, પરંતુ ગમે તેવી ઈમરજન્સી કે મોટા એરક્રાફ્ટના એકસાથે ધસારાને સરળતાથી હેન્ડલ કરી શકતું સક્ષમ એવિએશન હબ બની ચૂક્યું છે.
દરમિયાન, અચાનક આવી પહોંચેલા મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા પીવાનું પાણી અને રિફ્રેશમેન્ટ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મુંબઈમાં વાતાવરણ સામાન્ય થયા બાદ જ આ વિમાનોને રવાના કરવામાં આવશે.
ડાયવર્ટ થયેલી ફ્લાઇટ્સની વિગતો:
- સાંજે 06:50 – તિરુચિરાપલ્લી-મુંબઈ, ઇન્ડિગો, 182 મુસાફરો
- સાંજે 06:54 – દિલ્હી-મુંબઈ, ઇન્ડિગો, 122 મુસાફરો
- સાંજે 07:02 – દિલ્હી-મુંબઈ, એર ઇન્ડિયા વિસ્તારા (AI-2941), 186 મુસાફરો
- સાંજે 07:34 – ચેન્નાઈ-મુંબઈ, ઇન્ડિગો, 179 મુસાફરો
- સાંજે 07:38 – ગોવા-મુંબઈ, એર ઇન્ડિયા વિસ્તારા (AI-2746), 135 મુસાફરો
- સાંજે 07:47 – બેંગલુરુ-મુંબઈ, ઇન્ડિગો, 135 મુસાફરો
- સાંજે 07:50 – ચેન્નાઈ-મુંબઈ, એર ઇન્ડિયા (AI-6401), 112 મુસાફરો
- રાત્રે 08:00 – ભોપાલ-મુંબઈ, ઇન્ડિગો, 204 મુસાફરો
- રાત્રે 08:45 – કોઇમ્બતૂર-મુંબઈ, ઇન્ડિગો, 227 મુસાફરો
કુલ 1,482 મુસાફરોનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું.