મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક દરિયામાં ફેરીબોટ દુર્ઘટનાનો બનાવ ટળ્યો છે. 3 સપ્ટેમ્બરની રાત્રે 8:30 વાગ્યે ગેટ વે ઓફ ઈન્ડિયાથી 1.5 નોટિકલ માઈલ દૂર 'અન્વરી' નામની ફેરીબોટનું એન્જિન અચાનક બંધ પડી ગયું હતું.
આ બોટમાં 34 સહેલાણીઓ અને 4 ક્રૂ મેમ્બર સહિત કુલ 38 લોકો સવાર હતા. મધ્ય દરિયામાં બોટ બંધ થતાં સહેલાણીઓમાં ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી. ક્રૂ મેમ્બરે તાત્કાલિક આ માહિતી પોલીસ કંટ્રોલરૂમને આપી હતી.
માહિતી મળતા જ ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ અભિજિત શિંદે અને તેમના સાથીદારે ત્વરિત પગલાં ભર્યાં. તેમણે નજીકમાં જ 'આઝાદ હિંદ' ફેરીબોટ હોવાનું જાણી તેના ક્રૂ મેમ્બર જુનેદ મુલ્લાને ફસાયેલી બોટ તરફ જવા નિર્દેશ આપ્યો.
'આઝાદ હિંદ' બોટે સ્થળ પર પહોંચી 'અન્વરી'ને ટો કરી રાત્રે 9:10 વાગ્યે જેટી નંબર 2 પર સુરક્ષિત પહોંચાડી દીધી. આમ, સમયસર કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી છે. આ ઘટના દરિયાઈ કટોકટીમાં પોલીસ અને બોટ ક્રૂના સમન્વયનું ઉદાહરણ છે.