મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે વહેલી સવારે એક લક્ઝરી કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. મરીન ડ્રાઈવથી હાજી અલી તરફ જઈ રહેલી કાર લોટસ જેટી પાસે અથડાઈ હતી, જેમાં ત્રણ યુવકોના મોત થયા છે. મૃતકોમાં બે અમદાવાદના રહેવાસી હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાવાયું છે. અકસ્માતમાં 20 વર્ષનો એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે, જે હાલ નાયર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
કોસ્ટલ રોડ કંટ્રોલ રૂમ તરફથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર, આ અકસ્માત 20 સપ્ટેમ્બરે રવિવારે વહેલી સવારે આશરે 5:20 વાગ્યે લાલા કોલેજની સામે, લોટસ જેટી નજીક બન્યો હતો. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, કાર મરીન ડ્રાઈવ તરફથી હાજી અલી તરફ જઈ રહી હતી. વાહનની ઝડપ અત્યંત વધારે હોવાને કારણે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ કાર બ્રિજ પરથી નીચે પડી ગયાની માહિતી સામે આવી છે. ઘટનાના વીડિયોમાં કાર હવામાં બે થી ચાર ગુલાંટ ખાઈને બ્રિજ પરથી નીચે પટકાતી જોઈ શકાય છે.
મૃતકોની ઓળખ શનાય ગજ્જર (21 વર્ષ), ધીર્યા શેઠ (17 વર્ષ) અને એક અજાણ્યા 25 વર્ષીય વ્યક્તિ તરીકે થઈ છે. જ્યારે 20 વર્ષના એક યુવકને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે કારમાં સવાર તમામ 4 લોકોને ગંભીર હાલતમાં તાત્કાલિક નજીકની નાયર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇમરજન્સી મેડિકલ ટીમે તેમની સારવાર હાથ ધરી હતી. હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર દ્વારા સવારે 8:40 વાગ્યે આપવામાં આવેલા સત્તાવાર મેડિકલ બુલેટિન મુજબ હોસ્પિટલ લાવવામાં આવેલા 4 પૈકી 3 લોકોને તબીબોએ લાવતાં વેંત જ મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ પામેલા લોકોમાં એક 21 વર્ષનો યુવક અને એક 17 વર્ષનો સગીર સામેલ છે. ચોથા ઈજાગ્રસ્તની હાલત અત્યંત નાજુક છે.
આ ભયાનક અકસ્માતમાં બચી ગયેલા ચોથા 20 વર્ષના યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર તેને નાયર હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સ્થિતિ અત્યંત નાજુક છે. પોલીસ હાલ આ સમગ્ર મામલે ગુનો નોંધીને અકસ્માતના સીસીટીવી ફૂટેજ અને ચોક્કસ કારણોની ઝીણવટભરી તપાસ કરી રહી છે.