મુંબઈ નજીકના નાલાસોપારા વિસ્તારમાં આવેલી 'ઇમ્પિરિયલ હાઇટ્સ' નામની બહુમાળી રહેણાંક ઇમારતમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ બિલ્ડિંગના 8મા માળથી શરૂ થઈ હતી અને ઝડપથી 10 માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક તારણો મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગતાં જ ફ્લેટમાં ફસાયેલા લોકોએ જીવ બચાવવા માટે બિલ્ડિંગની છજ્જા પર આશરો લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને 10થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. દુર્ઘટનામાં 60 વર્ષથી વધુ વયની એક મહિલાનું મોત થયું હોવાની માહિતી સામે આવી રહી છે, જોકે વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.