સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈમાં બોમ્બ ધમકી: અમિતાભ બચ્ચનના જલસા, એરપોર્ટ અને મેયર ઓફિસને ઉડાવવાની ધમકી, તપાસ શરૂ

મુંબઈમાં બોમ્બ ધમકી: અમિતાભ બચ્ચનના જલસા, એરપોર્ટ અને મેયર ઓફિસને ઉડાવવાની ધમકી, તપાસ શરૂ

મુંબઈમાં અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન ‘જલસા’, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મેયર ઓફિસ અને પંજાબ નેશનલ બેંક (PNB)ની શાખા સહિતના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. ધમકી મળતાં જ શહેરમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

ધમકીભર્યા ઈમેલમાં મેયર ઓફિસ, અમિતાભ બચ્ચનના ઘર, એરપોર્ટ ઉપરાંત બેંક, કોર્ટ અને મહાલક્ષ્મી રેસકોર્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઈમેલમાં મુંબઈ મહાનગરપાલિકા (BMC)નો પણ ઉલ્લેખ હોવાથી પાલિકાની સુરક્ષા વ્યવસ્થાને સતર્ક કરી દેવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે તાત્કાલિક તપાસ કરી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. હાલમાં મેયર ઓફિસમાં રોજિંદું કામકાજ ચાલુ છે.

આ ધમકી છેલ્લા કેટલાક સમયથી મુંબઈને મળી રહેલી ધમકીઓની શ્રેણીમાં ત્રીજી છે. અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ બાદ શહેરને સતત ધમકીઓ મળી રહી છે. આજે સવારે 10:12 વાગ્યે મેયર ઓફિસને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં “ખાલિસ્તાન બોલેગા, મુંબઈ જિંદાબાદ” લખવામાં આવ્યું છે.

પીટીઆઈના અહેવાલ મુજબ, બપોરે 10:52 વાગ્યે reduak079@gmail.com નામના ઈમેલ એકાઉન્ટ પરથી PNBની મુંબઈ ઝોનલ ઓફિસ, કફ પરેડ સ્થિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને દક્ષિણ મુંબઈની ઝવેરી બજાર શાખાને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઈમેલના સબ્જેક્ટમાં PNBની એક શાખામાં બપોરે 1:11 વાગ્યે બોમ્બ વિસ્ફોટ થવાની ધમકી આપવામાં આવી હતી. વધુમાં, 27 નવેમ્બર અને 31 ડિસેમ્બરની તારીખોનો ઉલ્લેખ કરીને વધુ બોમ્બ હુમલાની ધમકી પણ આપવામાં આવી છે.

સુરક્ષા એજન્સીઓ હવે ઈમેલના સ્રોતની તપાસમાં લાગી છે. આ ધમકી ક્યાંથી મોકલવામાં આવી છે તે શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આરોપી સુધી પહોંચવું પોલીસ અને તપાસ એજન્સીઓ માટે મોટો પડકાર છે. મુંબઈ પોલીસે શહેરમાં સતર્કતા વધારી છે અને વિશેષ ટીમો તપાસમાં જોડાઈ છે.