મુંબઈમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટની ધમકી સામે આવતાં સુરક્ષા તંત્ર સતર્ક થઈ ગયું છે. બોમ્બે હાઈકોર્ટને મળેલા એક ધમકીભર્યા ઈમેલમાં બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલા ‘જલસા’, બોમ્બે હાઈકોર્ટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને વર્લી રેસકોર્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
આ ઈમેલમાં આ તમામ સ્થળો પર શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. ધમકી સામે આવતાં જ મુંબઈ પોલીસે શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી છે. પોલીસ ઈમેલ મોકલનારનું લોકેશન અને આઈપી એડ્રેસ શોધવા માટે તપાસ કરી રહી છે.
અમિતાભ બચ્ચન ટૂંકા સમયમાં બીજી વાર ધમકીનું નિશાન બન્યા છે. અગાઉ 22 ઓક્ટોબરે શહેરની એક શાળાને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલમાં પણ તેમનું નામ લેવામાં આવ્યું હતું. જોકે, તે સમયે તંત્રએ જણાવ્યું હતું કે બચ્ચનને સીધી ધમકી મળી નહોતી. તે ઘટના પછી અમિતાભ બચ્ચને દર રવિવારે ઘરની બહાર ચાહકોને મળવાની પરંપરામાં ફેરફાર કર્યો હતો અને પુત્ર અભિષેક સાથે બુલેટપ્રૂફ ગ્લાસ શિલ્ડ પાછળ ઊભા રહીને ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ દ્રશ્ય સામે આવ્યા બાદ ‘ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિયેશન’એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બોલિવૂડ સિતારાઓ અને તેમના પરિવારોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી ધમકીઓની ઘટનાઓ સામે આવી રહી છે. 18 ઓક્ટોબરે અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ થયું હતું, જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનો દાવો કરાયો હતો. તે જ સપ્તાહમાં અભિનેતા તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને બિશ્નોઈ ગેંગના નામે ધમકીઓ મળી હતી. પોલીસ હજુ પણ તે ધમકીભર્યા ઓડિયો ટેપની સચ્ચાઈ તપાસી રહી છે. આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બુધવારે બેંગલુરુ સ્થિત 30 વર્ષીય આઈટી એન્જિનિયરની ધરપકડ કરી હતી, જેણે કપૂર અને ખુરાનાને ધમકીઓ મોકલી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં આ યુવકનો બિશ્નોઈ ગેંગ સાથે કોઈ સત્તાવાર સંબંધ હોવાના પુરાવા મળ્યા નથી.