સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના 3 યુવકોનું મુંબઈમાં BMW અકસ્માતમાં મોત, ડ્રાઇવર સામે પહેલેથી FIR હતી

અમદાવાદના 3 યુવકોનું મુંબઈમાં BMW અકસ્માતમાં મોત, ડ્રાઇવર સામે પહેલેથી FIR હતી

મુંબઈના લોટસ જેટી નજીક 20 સપ્ટેમ્બર, 2026ની વહેલી સવારે થયેલા ભયાનક અકસ્માતમાં અમદાવાદના ત્રણ યુવકોનું મોત થયું છે. ચાર મિત્રો PGમાં રહીને અભ્યાસ કરતા હતા અને વહેલી સવારે ડ્રાઇવ પર નીકળ્યા હતા.

કાળા રંગની BMW (DD-01-C-6302) શનય ગજ્જર ચલાવતો હતો. તેની સાથે ધૈર્ય દર્શન શેઠ, આદિત્ય જકાસણિયા અને આદિત્ય કલ્પેશ્વર ઓસવાલ હતા. બધા મરીન ડ્રાઇવથી હાજી અલી તરફ જઈ રહ્યા હતા. સવારે 5:03 વાગ્યે કોસ્ટલ રોડ પર લાલા લજપતરાય કોલેજ સામે લોટસ જેટી નજીકના વળાંક પર કાર ઓવરસ્પીડમાં હોવાથી શનયે કાબૂ ગુમાવ્યો અને કાર રેલિંગ સાથે અથડાઈ. કાર 100 મીટર ઊછળ્યા બાદ પુલ પરથી ત્રણ વાર ફરી, લાઇટ પોલ નંબર 368ને ટક્કર મારી અને લગભગ 75 ફૂટ નીચે પડીને પલટી ગઈ. જ્યાં કાર પડી ત્યાં પાર્કિંગ ચાલી રહ્યું હતું.

સીસીટીવી ફૂટેજમાં કાર રેલિંગ સાથે અથડાયા બાદ નીચે પડતી જોવા મળે છે. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, છત દબાઈ ગઈ અને આગળનો ભાગ બુકડો બોલી ગયો.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી. ફોરેન્સિક ટીમે BMWમાંથી નમૂના એકત્ર કર્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બચાવ ટીમ માટે BMW ઓળખવું પણ મુશ્કેલ હતું. ચારમાંથી ત્રણ યુવક ફસાયેલા હતા અને એક બહાર ફેંકાયો હતો.

શનય ગજ્જર તૂટેલી ડ્રાઇવર વિન્ડોમાંથી અડધો બહાર અને અડધો અંદર હતો, તેનો પગ એક્સિલેટર પર દબાયેલો હતો. તેની બાજુની સીટ પર બેઠેલો આદિત્ય ઓસવાલ ગંભીર રીતે ઘાયલ હતો, તે ધ્રુજતો હતો અને તેના ચહેરા, નાક, જડબા સહિત આખા શરીરે ઇજાઓ હતી, ચહેરામાંથી લોહી વહેતું હતું. તેના ફક્ત હાથ જ હલી શકતા હતા.

પાછળની સીટ પરનું દ્રશ્ય વધુ હૃદયદ્રાવક હતું. ત્રીજો યુવક સનરૂફમાંથી બહાર ફેંકાયો હતો, તેનો મૃતદેહ કાટમાળથી લગભગ 15-16 ફૂટ દૂર મળ્યો હતો. ચોથો યુવક પાછળની સીટ અને ડ્રાઇવરની સીટ વચ્ચે ચગદાઈ ગયો હતો.

આ ચારમાંથી ત્રણ યુવક શનય ગજ્જર, ધૈર્ય શેઠ અને આદિત્ય જકસાણિયાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, જ્યારે આદિત્ય ઓસવાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતો. આદિત્યનો જીવ કારની ખુલેલી એરબેગથી બચ્યો હોઈ શકે, પરંતુ ટક્કરની તાકાત ખૂબ વધારે હતી. પાછળ બેઠેલા બે મુસાફરોની સ્થિતિએ બચાવ કામગીરી મુશ્કેલ બનાવી હતી.

ચારેય યુવકને મુંબઈની નાયર હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ડોક્ટરોએ ત્રણને મૃત જાહેર કર્યા. આદિત્ય ઓસવાલને પછી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

પોલીસ મુજબ કારની સ્પીડ 120થી 140 કિમી પ્રતિ કલાક હોવાની શક્યતા છે. ઓવરસ્પીડને કારણે કારે એક ડેસ્ટિનેશન ઇન્ડિકેટરને પણ ટક્કર મારી. કાર હવામાં ત્રણ વાર ગોળ ફરીને જમીન પર અથડાઈ અને ઘસડાતી તથા રોલ થતી આગળ ગઈ.

શનય ગજ્જર સામે 28 માર્ચ, 2026ના રોજ, એટલે કે 6 મહિના પહેલા જ બેદરકારીપૂર્વક કાર ચલાવવાની ગામદેવી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી. ફરિયાદી ઓમકાર શિર્કેએ જણાવ્યું કે, તે સમયે શનયે બ્રીચ કેન્ડી પર અમને કટ મારીને જોરદાર સ્પીડમાં કાર આગળ ભગાવી મૂકી હતી. પછી મેં તેનો પીછો કરીને મહાલક્ષ્મી મંદિર પાસે પકડી પાડ્યો હતો અને રોકીને પૂછ્યું હતું. તેણે અમારા માટે જોખમી સાબિત થઈ શકે એ રીતનું વર્તન કર્યું હતું.