મુંબઈમાં વાયુ પ્રદૂષણ વધતાં બોમ્બે હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે જણાવ્યું કે પ્રદૂષણની દૃષ્ટિએ મુંબઈ હવે દિલ્હીથી પણ આગળ નીકળી રહ્યું છે. લાખો નાગરિકો ઝેરી હવાને કારણે તકલીફ ભોગવી રહ્યા છે ત્યારે પ્રદૂષણ અટકાવવાની જવાબદારી ધરાવતા અધિકારીઓ કેવી રીતે શાંતિથી રહી શકે તેવો સવાલ પણ અદાલતે ઉઠાવ્યો હતો.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC), મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB) અને મુંબઈ પોલીસની ઢીલી કામગીરી પર અદાલતે કડક શબ્દોમાં ટકોર કરી હતી. તહેવારો દરમિયાન ધ્વનિ પ્રદૂષણ અને રસ્તાઓ પર ફટાકડા ફોડવા પરના પ્રતિબંધના આદેશોનું જમીની સ્તરે પાલન થતું નથી તેમ કોર્ટે નોંધ્યું હતું. જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જતા અધિકારીઓ સામે કડક પગલાં લેવાની ચેતવણી પણ અદાલતે આપી હતી.
ધ્વનિ પ્રદૂષણ અને રસ્તાઓ પર ફટાકડા ફોડવા અંગે દાખલ થયેલી જાહેર હિતની અરજી પર જસ્ટિસ ગિરીશ એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે સુનાવણી કરી હતી. દક્ષિણ મુંબઈના ક્રોફર્ડ માર્કેટ નજીક એક પોલીસ સ્ટેશનની સામે જ વ્યસ્ત રસ્તા પર ફટાકડા ફોડાયા હોવાનો ઉલ્લેખ કરીને અદાલતે તેને અદાલતી આદેશોનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું હતું. શોભાયાત્રાઓમાં વપરાતા સાઉન્ડ સિસ્ટમના લાયસન્સ તપાસવા અને રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ સુનિશ્ચિત કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે.
અદાલતે જણાવ્યું કે પ્રદૂષણ અટકાવવામાં તંત્રની નિષ્ક્રિયતા બંધારણની કલમ 14 અને 21 હેઠળ નાગરિકોને મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. મુંબઈ પોલીસ કમિશનરને તમામ પોલીસ સ્ટેશનના વડાઓ સાથે તાત્કાલિક બેઠક યોજીને નિયમોનું કડક પાલન કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, BMC કમિશનર અને MPCB કમિશનરને 26 ઓક્ટોબરની આગામી સુનાવણીમાં રૂબરૂ હાજર રહીને પ્રદૂષણ નિયંત્રણ માટે લીધેલા પગલાંનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શહેરમાં ચાલતા બાંધકામોમાંથી ઉડતી ધૂળ પર નિયંત્રણ ન હોવા અંગે પણ અદાલતે સવાલ ઉઠાવ્યા હતા. જસ્ટિસ કુલકર્ણીએ કહ્યું કે બાંધકામ પ્રવૃત્તિઓ પ્રદૂષણનું મોટું કારણ છે, તેથી નિયમો તોડતા બિલ્ડરો પર ભારે દંડ ફટકારવો જોઈએ. જસ્ટિસ નીલા ગોખલેએ સ્પષ્ટ કર્યું કે શહેરના પ્રમાણમાં સ્વચ્છ વિસ્તારોના આંકડા દર્શાવીને ભારે ટ્રાફિક અને ગીચ વસ્તીવાળા વિસ્તારોની ખરાબ હવાને નજરઅંદાજ કરી શકાય નહીં.
સુનાવણી દરિમિયાન અદાલતે નોંધ્યું કે ધુમ્મસ અને સ્મોગને કારણે મુંબઈમાં દૃશ્યતા 500 મીટરથી પણ ઓછી થઈ ગઈ હતી. દરિયાકિનારે આવેલું શહેર હોવા છતાં મુંબઈ આવી ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે તે ચિંતાજનક છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે મીડિયા, સોશિયલ મીડિયા અને સેલિબ્રિટીઝ દ્વારા અભિયાન ચલાવવાનું સૂચન પણ કરાયું હતું. નાગરિકોએ ઘરની બહાર નીકળતા પહેલા હવા ગુણવત્તા સૂચકાંક (AQI) જોવો પડે તેવી સ્થિતિ ન આવવી જોઈએ તેમ જણાવીને અદાલતે કડક અમલીકરણની સૂચના આપી હતી.