શિયાળાની શરૂઆત થાય તે પહેલાં જ દેશનાં મોટાં શહેરોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. સામાન્ય રીતે પ્રદૂષણમાં દિલ્હી આગળ રહે છે, પરંતુ આ ઑક્ટોબરમાં મુંબઈ અને અમદાવાદની સ્થિતિ ગંભીર બની છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના 24 ઑક્ટોબરના ડેટા મુજબ મુંબઈનો સરેરાશ AQI 322 પર પહોંચ્યો હતો, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે. આ સમયગાળામાં દિલ્હીનો AQI 167થી 176 વચ્ચે રહ્યો હતો. એક દિવસના ડેટા પરથી લાંબા ગાળાનું તારણ ન કાઢી શકાય, પણ મુંબઈની હવા સતત બગડી રહી હોવાની હકીકત સ્પષ્ટ છે.
મુંબઈ દરિયાકિનારે આવેલું હોવાથી અગાઉ પ્રદૂષણ ઓછું રહેતું હતું, પરંતુ હવે પવનની ઝડપ ઓછી અને ભેજ વધુ હોવાથી પ્રદૂષકો વિખેરાઈ શકતા નથી. 2020ના એક અભ્યાસ મુજબ શહેરમાં PM10 પ્રદૂષણ માટે મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે: પરિવહન (19.6 ટકા), પવનથી ઉડતી રસ્તાની ધૂળ (19.4 ટકા) અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ (18.9 ટકા). મોટાં બાંધકામના કામો, ભારે ટ્રાફિક અને સમુદ્રમાંથી ઉડતા મીઠાના કણો ભેગા થઈને ધુમ્મસ સર્જે છે.
મુંબઈમાં પ્રદૂષણ નિયંત્રણ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ 28 મુદ્દાની કડક માર્ગદર્શિકા બહાર પાડી છે. બાંધકામ સ્થળોએ નિયમોના પાલન માટે 76 વિશેષ સ્ક્વોડ તૈનાત કરાયા છે. બાંધકામ સ્થળોને ગ્રીન નેટથી ઢાંકવા અને ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવો ફરજિયાત કરાયો છે.
અમદાવાદની વાત કરીએ તો તાજેતરના ડેટા મુજબ શહેરનો સરેરાશ AQI 110થી 186 વચ્ચે નોંધાયો છે, જે 'ખરાબ' શ્રેણીમાં આવે છે. જીઆઈડીસી જ્યાસપુર જેવા ઔદ્યોગિક વિસ્તારમાં આ આંકડો 235 સુધી પહોંચ્યો છે, જે 'અસ્વસ્થ' ગણાય છે. હવામાં PM2.5 અને PM10 જેવા સૂક્ષ્મ કણોનું પ્રમાણ જોખમી સપાટીએ છે. આ કણો શ્વાસ દ્વારા ફેફસાંમાં પહોંચીને નુકસાન કરે છે.
અમદાવાદમાં પ્રદૂષણ વધવા માટે ધૂળિયા રસ્તા, વાહનોનો ધુમાડો, નવરાત્રિ દરમિયાન વધેલો ટ્રાફિક અને શહેરની આસપાસના ઔદ્યોગિક પ્લાન્ટ્સ જવાબદાર મનાય છે.