રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સોમવારે થયેલા જબરદસ્ત ઉછાળાને કારણે તેમના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં આશરે 9 અબજ ડોલરનો વધારો થયો છે. આ સાથે તેઓ ફરીથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે, તેમણે ચીનના ઝાંગ યિમિંગને પાછળ છોડી દીધા છે.
સોમવારે ટ્રેડિંગ શરૂ થતાં જ રિલાયન્સનો શેર ગત શુક્રવારના બંધ ભાવ ₹1,164.90ની સામે ₹1,228 પર ખૂલ્યો હતો અને દિવસના અંતે 11.60%ના ઉછાળા સાથે ₹1,300 પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને ₹17.57 લાખ કરોડ થઈ ગયું છે. રિલાયન્સના શેરની 52 અઠવાડિયાની ઊંચી સપાટી ₹1,611.80 છે.
ફોર્બ્સની રિયલ-ટાઇમ અબજપતિ યાદી મુજબ, આ ઉછાળા સાથે અંબાણીની કુલ સંપત્તિ આશરે 89 અબજ ડોલર થઈ ગઈ છે, જે એક દિવસમાં 10.5%નો વધારો દર્શાવે છે. તેઓ વિશ્વના ધનિકોની યાદીમાં 23મા ક્રમે પહોંચી ગયા છે, જ્યારે ઝાંગ યિમિંગ 84 અબજ ડોલરની સંપત્તિ સાથે 25મા ક્રમે છે. ઝાંગ યિમિંગ ચીનની ટેક કંપની બાઇટડાન્સના સહ-સ્થાપક છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોકેમિકલ્સ, તેલ અને ગેસ, ટેલિકોમ, રિટેલ, મીડિયા અને ફાઇનાન્શિયલ સર્વિસિસના ક્ષેત્રમાં કાર્યરત છે. તેમાં જિયો પ્લેટફોર્મ્સ અને ઓઇલ ટુ કેમિકલ્સ (O2C) ડિવિઝનનો સમાવેશ થાય છે. 1957માં ધીરુભાઈ અંબાણીએ સ્થાપેલી આ કંપની હાલ માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ ભારતની સૌથી મોટી કંપની છે. તાજેતરમાં જિયો પ્લેટફોર્મ્સના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયા છે, જેનાથી તે રિલાયન્સ પછી દેશની બીજી સૌથી મોટી કંપની બની છે.