સત્ય. સાહસ. સંકલ્પ.

મુદ્રા યોજના 2031 સુધી લંબાવાઈ: હવે 20 લાખ સુધીની લોન, ઓછી ગેરંટી

મુદ્રા યોજના 2031 સુધી લંબાવાઈ: હવે 20 લાખ સુધીની લોન, ઓછી ગેરંટી

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળની 'ક્રેડિટ ગેરંટી ફંડ ફોર માઇક્રો યુનિટ્સ' યોજનાને 31 માર્ચ 2031 સુધી લંબાવી છે. આ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં લગભગ 12.6 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નાના ઉદ્યોગો માટે હવે 20 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે, જેમાં ઓછી ગેરંટીની જરૂર પડશે.

આ યોજના હેઠળ લોનને ચાર શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે:

  • શિશુ: 50,000 રૂપિયા સુધીની લોન, નવો વ્યવસાય શરૂ કરનારાઓ માટે.
  • કિશોર: 50,001થી 5 લાખ રૂપિયા સુધીની લોન, વ્યવસાયની શરૂઆત કરી ચૂકેલા અને વિસ્તાર માટે મૂડીની જરૂર હોય તેવા લોકો માટે.
  • તરુણ: 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન, સ્થાપિત વ્યવસાયોને મોટા સ્તરે લઈ જવા માટે.
  • તરુણ પ્લસ: 10 લાખથી 20 લાખ રૂપિયા સુધીની લોન, જે ઉદ્યોગસાહસિકોએ અગાઉ 'તરુણ' શ્રેણીની લોન સફળતાપૂર્વક ચૂકવી દીધી હોય તેમના માટે.

સત્તાવાર આંકડાઓ અનુસાર, સપ્ટેમ્બર 2026 સુધીમાં દેશભરમાં આ યોજના હેઠળ 60.36 કરોડથી વધુ લોન મંજૂર કરવામાં આવી છે, જેની કુલ રકમ 43.34 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ યોજના નાના અને મધ્યમ સ્વરોજગારીઓ માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે.

ભારતનો કોઈપણ નાગરિક જે બિન-કૃષિ આવક-સર્જન પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેપાર કે સેવા ક્ષેત્રમાં નવો ધંધો શરૂ કરવા માંગતા હોય અથવા પોતાનો વર્તમાન વેપાર વધારવા માંગતા હોય, તે આ યોજના માટે પાત્ર છે.

રસ ધરાવતા વેપારીઓ કોઈપણ અધિકૃત વાણિજ્યિક બેંક, સ્મોલ ફાઇનાન્સ બેંક, ગ્રામીણ બેંક, એનબીએફસી અથવા માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ દ્વારા અરજી કરી શકે છે. આ ઉપરાંત, સત્તાવાર ડિજિટલ પોર્ટલ 'જનસમર્થ' દ્વારા ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. અરજી કરવા માટે ઓળખ પત્ર, સરનામાનો પુરાવો, વ્યવસાયનો પુરાવો અને બેંક સ્ટેટમેન્ટ જેવા દસ્તાવેજોની જરૂર પડે છે.