બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મૂડેઠા ગામે ભાઈબીજના પર્વ નિમિત્તે દરબાર અને રાજપૂત સમાજ દ્વારા 763 વર્ષથી અવિરત ચાલી આવતી પરંપરાગત અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અશ્વદોડમાં બખ્તર અને હથિયારોથી સજ્જ ઘોડેસવારોએ શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. આશરે એક કલાક સુધી ચાલેલી આ અશ્વદોડ જોવા હજારો લોકો દૂર-દૂરથી આવ્યા હતા. ગ્રામજનો અને શ્રદ્ધાળુઓએ બખ્તરધારી ઘોડેસવારોની આ પરંપરાને નિહાળી હતી.
આ આયોજનનું વિશેષ આકર્ષણ એ રહ્યું કે એક વ્યક્તિ સંપૂર્ણ બખ્તર ધારણ કરીને 100થી વધુ ઘોડાઓ સાથે પેપલુ ગામથી મૂડેઠા આવી હતી અને પોતાની બહેનને ચુંદડી અર્પણ કરી હતી. પેપલુથી નીકળેલી આ અશ્વસવારી મૂડેઠા પહોંચતાં સમગ્ર પંથકમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.
આ પરંપરા માત્ર મનોરંપણ નથી, પણ ભાઈ-બહેનના પવિત્ર સંબંધ અને સામાજિક એકતાનું પ્રતીક છે. દરબાર અને રાજપૂત સમાજના યુવાનો આ અશ્વદોડ દ્વારા બહેનો પ્રત્યેના આદરભાવને વ્યક્ત કરે છે. આવા સાંસ્કૃતિક આયોજનો યુવા પેઢીમાં પરંપરાઓ અને પારિવારિક સંબંધો પ્રત્યેનો આદરભાવ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.