વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની આર્ટ્સ ફેકલ્ટીના ક્લાસરૂમમાં જાહેરમાં કિસિંગ અને રોમાન્સ કરતો વીડિયો વાયરલ થયા બાદ આ મામલે નવો વળાંક આવ્યો છે. ઘટનામાં સંડોવાયેલી વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર માફી માંગતો વીડિયો શેર કર્યો છે, જેમાં તે 'આઈ એમ સોરી ફોર માય એક્શન્સ' કહેતી સંભળાય છે.
આ ઘટના છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે. MSUની આર્ટ્સ ફેકલ્ટીના એક ક્લાસરૂમમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરી હોવા છતાં બે કપલ ખુલ્લેઆમ રોમાન્સમાં મગ્ન જોવા મળ્યા હતા. આ દરમિયાન પાછળની બેન્ચ પર બેઠેલા એક અજાણ્યા વ્યક્તિએ ચોરીછૂપે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને બાદમાં તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયો વાયરલ થયા બાદ ચારેબાજુથી ફિટકાર વરસતાં સંડોવાયેલા યુગલ પૈકીની વિદ્યાર્થિની સામે આવી છે અને તેણે સોશિયલ મીડિયા પર માફીનામાનો વીડિયો જાહેર કર્યો છે. જોકે, માફી માંગ્યા બાદ પણ વિદ્યાર્થી સંગઠનો અને શિક્ષણવિદોમાં આ ઘટનાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ ઘટનાની તપાસ માટે ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીનની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તપાસ કમિટીના સભ્ય અને ફેકલ્ટી ડીન કલ્પના ગવલીએ જણાવ્યું હતું કે, “કેમ્પસમાં ભવિષ્યમાં આવી અશોભનીય ઘટનાઓ ન બને અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે તપાસ કમિટી ઉપરાંત એક સ્પેશિયલ સ્ક્વોડ કમિટી પણ તહેનાત કરવામાં આવી છે. હજુ આ મામલે અન્ય લોકોના નિવેદનો લેવાના બાકી હોવાથી તપાસ લંબાશે.”
તપાસ કમિટી સમક્ષ સંડોવાયેલી વિદ્યાર્થિનીનું નિવેદન નોંધાઈ ગયું છે. હવે જોવાનું એ રહે છે કે, માફી માંગ્યા બાદ યુનિવર્સિટી પ્રશાસન શિસ્તભંગના પગલાંરૂપે કેવા કડક નિર્ણયો લે છે.