સત્ય. સાહસ. સંકલ્પ.

મધ્યપ્રદેશ: દારૂની ટ્રકે પોલીસ અધિકારીને કચડ્યા, ડ્રાઈવર ફરાર

મધ્યપ્રદેશ: દારૂની ટ્રકે પોલીસ અધિકારીને કચડ્યા, ડ્રાઈવર ફરાર

મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની તસ્કરી રોકવા ગયેલા ખાતેગાંવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિલીપ કુમાર પૂરીનું ટ્રકની અડફેટે મોત થયું છે. રવિવારે મોડી રાત્રે આશરે 1:30 વાગ્યે ઇન્દોર-બૈતૂલ હાઇવે પર ગેરકાયદે દારૂની હેરાફેરીની બાતમી મળતા તેઓ પોતાની ટીમ સાથે ચેકિંગ કરી રહ્યા હતા.

આ દરમિયાન દારૂથી ભરેલા એક ટ્રકને રોકવાનો ઇશારો કરતાં ચાલકે ટ્રક રોકવાને બદલે સ્પીડ વધારી દીધી. ટ્રકને ડિવાઇડર પર ચઢાવીને ભાગવાનો પ્રયાસ કરતાં વાહનનું પાછળનું પૈડું દિલીપ કુમાર પર ફરી વળ્યું, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા.

તાત્કાલિક તેમને ખાતેગાંવની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં તબીબોએ લાંબો સમય સીપીઆર આપ્યો, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. ઘટનાના પગલે આરોપી ટ્રક ચાલક વાહનને સંદલપુરમાં છોડીને ફરાર થઈ ગયો છે, અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.