મધ્ય પ્રદેશમાં ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન માટે ચલાવવામાં આવતી 'મુખ્યમંત્રી કન્યાદાન યોજના'માં મોટું કૌભાંડ સામે આવ્યું છે. વિદેશા જિલ્લામાં આશરે રૂ. 30.18 કરોડની છેતરપિંડી થઈ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.
EDએ સિરોંજ જનપદ પંચાયતના તત્કાલીન CEO શોભિત ત્રિપાઠી અને તેમના સહયોગી હેમંત સાહૂની રૂ. 5.37 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. તપસ એજન્સીના જણાવ્યા અનુસાર, શોભિત ત્રિપાઠીએ 2019થી નવેમ્બર 2021 દરમિયાન અન્ય લોકો સાથે મળીને 5,923 બોગસ લગ્ન દર્શાવ્યા હતા.
રાજ્ય સરકારની આ યોજના હેઠળ ગરીબ શ્રમિકોની દીકરીઓના લગ્ન માટે રૂ. 51,000ની આર્થિક સહાય આપવામાં આવતી હતી. આ કૌભાંડમાં અપાત્ર લોકોના નામે બોગસ અરજીઓ અને દસ્તાવેજો તૈયાર કરીને બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે કોરોના લોકડાઉન દરમિયાન જ્યારે જાહેર લગ્નપ્રસંગો પર સંપૂર્ણ પ્રતિબંધ હતો, ત્યારે પણ આ બોગસ ખાતાઓમાં યોજનાના કરોડો રૂપિયા જમા કરાવીને રોકડ રકમ ઉપાડી લેવામાં આવી હતી.
આ સમગ્ર કૌભાંડ અંગે ભોપાલના આર્થિક અપરાધ વિંગ (EOW) ખાતે એફઆઈઆર નોંધાઈ હતી, જેના આધારે EDએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. આ મામલે EDએ 2 સપ્ટેમ્બર 2026ના રોજ મુખ્ય આરોપી શોભિત ત્રિપાઠીની ધરપકડ કરી હતી. હાલ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને કેસની આગળની તપાસ ચાલી રહી છે.