મધ્ય પ્રદેશ સરકારે રૂ. 234 કરોડના ખર્ચે 'બોમ્બાર્ડિયર ચેલેન્જર-3500' બિઝનેસ જેટ ખરીદ્યું છે. આ વિમાન કેનેડાના ટોરોન્ટો શહેરથી ઉડાન ભરીને બેંગકોક થઈને ભોપાલના સ્ટેટ હેંગર ખાતે પહોંચ્યું છે. આ જેટનો ઉપયોગ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને અન્ય વિશિષ્ટ મહાનુભાવોના પ્રવાસો માટે કરવામાં આવશે.
વર્ષ 2021માં ગ્વાલિયર ઍરપૉર્ટ પર સરકારી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ રાજ્ય સરકાર ચાર્ટર્ડ વિમાન ભાડે રાખી રહી હતી, જેના પર કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો. દશેરાના અવસરે સ્ટેટ હેંગર ખાતે નવા વિમાનનું પૂજન કરવામાં આવ્યું હતું. આ વિમાન દેશના રાજ્યોના VIP કાફલામાં સૌથી આધુનિક ગણાય છે.
ગુજરાત પાસે 'બોમ્બાર્ડિયર ચેલેન્જર-650' વિમાન છે, જે 2019માં આશરે રૂ. 191 કરોડમાં ખરીદવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશનું નવું 'ચેલેન્જર-3500' ટેક્નોલોજી, કેબિન સુવિધા અને સુરક્ષા વ્યવસ્થામાં ગુજરાતના વિમાન કરતાં નવી પેઢીનું છે. મહારાષ્ટ્ર સરકાર પાસે આશરે રૂ. 67 કરોડની કિંમતનું 'સેસના સાઇટેશન એક્સએલએસ' વિમાન છે, જે કદ, ટેક્નોલોજી અને લાંબા અંતરની ઉડાન ક્ષમતામાં નાનું છે.
આ વિમાનની સૌથી મોટી ખાસિયત તેનું 'સ્માર્ટ કેબિન' છે. ચેલેન્જર-3500 વિશ્વનું પહેલું એવું બિઝનેસ જેટ છે જે અવાજથી નિયંત્રિત થાય છે. તેમાં એવી સિસ્ટમ છે જે માણસના અવાજ અને ઇશારાઓને ઓળખે છે. મુસાફરો બોલીને એસીનું તાપમાન કે લાઇટિંગ બદલી શકે છે, સ્વિચ દબાવવાની જરૂર નથી.
આ કેબિનમાં વિશ્વની પ્રથમ ઝીરો-ગ્રેવિટી સીટો લગાવવામાં આવી છે. આ સીટો લાંબી મુસાફરી દરમિયાન થતો શારીરિક થાક દૂર કરે છે અને આરામદાયક અનુભવ આપે છે.