મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં 13 નવેમ્બરના રોજ એક હોટલમાં રોકાયેલા પુખ્ત યુગલ સાથેની વાતચીત દરમિયાન એક વરિષ્ઠ પોલીસ અધિકારી યુવકને ગાંજાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા CCTVમાં કેદ થયા છે. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) દીપક મિશ્રા હોટલમાં યુગલની પૂછપરછ કરતા જોવા મળે છે.
વીડિયોમાં સાંભળી શકાય છે કે યુવતી પોલીસને કહી રહી છે કે તેઓ બંને પુખ્ત વયના છે, એક જ જ્ઞાતિના છે અને લગ્ન કરવા માંગે છે. આમ છતાં પોલીસ અધિકારીઓ યુગલ પર તેમના માતા-પિતાનો સંપર્ક કરવા માટે દબાણ કરી રહ્યા હતા. જ્યારે યુવતીએ પોતાનો મોબાઈલ ફોન અનલોક કરવાનો અને પરિવારને ફોન કરવાનો ઇનકાર કર્યો, ત્યારે એડિશનલ એસપી દીપક મિશ્રા કથિત રીતે તેમના સાથી કર્મચારીઓને યુવક પાસે ગાંજો મૂકી દેવાનો આદેશ આપતા સંભળાય છે. વાઇરલ ફૂટેજમાં દીપક મિશ્રા સ્પષ્ટપણે એમ કહેતા સંભળાય છે કે, 'છોકરા પાસે થોડો ગાંજો મૂકી દો.' આ ઉપરાંત, પોલીસ અધિકારી યુગલને ઠપકો આપતા પણ જોવા મળે છે અને માતા-પિતાને જાણ કર્યા વિના કે તેમનો વિચાર કર્યા વિના સાથે સમય વિતાવવાના તેમના નિર્ણય પર સવાલો ઉઠાવી રહ્યા છે.
આ ઘટનાએ પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને, પોલીસની વાત ન માનવા બદલ એક પુખ્ત નાગરિકને બનાવટી ગુનાહિત કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાની બાબતને લઈને સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સહમતિથી સાથે રહેતા પુખ્ત વયના લોકો સાથેના પોલીસના વર્તન અને સત્તાના દુરુપયોગ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
જે હોટલમાં આ કથિત ઘટના બની હતી, તેના માલિકે પણ સ્થાનિક પોલીસ પર ખંડણી માંગવાનો આરોપ લગાવ્યો છે. હોટલ માલિકના જણાવ્યા અનુસાર, પોલીસ કર્મચારીઓએ તેમની પાસેથી દર મહિને ₹25,000 હપ્તાની માંગણી કરી હતી અને જ્યારે તેમણે પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે પોલીસે હોટલ પર દરોડો પાડ્યો હતો. હોટલના માલિકે કોતવાલી ટીઆઈ સતીશ તિવારી, એસડીઓપી ચંચલેશ મરકામ અને ટ્રાફિક ઇન્સ્પેક્ટર વિજય બઘેલ પર દર મહિને ₹25,000 માંગવાનો આરોપ મૂક્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે પોલીસકર્મીઓનો પર્દાફાશ કરવા માટે તેમણે પોતે જ આ સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. જોકે, વીડિયોમાં દેખાતા અધિકારીઓ સામે મધ્યપ્રદેશ પોલીસે કોઈ તપાસ શરૂ કરી છે કે કોઈ કાર્યવાહી કરી છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.