દેશભરમાં વજન ઘટાડવા અને ડાયાબિટીસ નિયંત્રણ માટે વપરાતું મોઉન્જેરો ઇન્જેક્શન ચર્ચામાં છે. એક સંશોધન મુજબ છેલ્લા દોઢ વર્ષમાં 1256 કરોડ રૂપિયાના આ ઇન્જેક્શન વેચાયા છે. ગુજરાતમાં પણ આ સારવાર ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. અમદાવાદ અને સુરતના ઓબેસિટી નિષ્ણાતોની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.
ડોક્ટર્સ પાસે આવતા કુલ દર્દીઓમાં 60 થી 70 ટકા મહિલાઓ છે. ખાસ કરીને તેઓ સારા લુક્સ માટે આ સારવાર લઈ રહી છે. જ્યારે 30 થી 40 ટકા પુરુષો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓના નિયંત્રણ માટે સારવાર લઈ રહ્યા છે.
આ વિષય પર દિવ્ય ભાસ્કરે અમદાવાદ અને સુરતના ઓબેસિટી, ડાયાબિટોલોજિસ્ટ અને બેરિયાટ્રિક નિષ્ણાતો સાથે વાત કરી હતી.
અમદાવાદના ડાયાબિટોલોજિસ્ટ ડૉ. જિતેન્દ્ર પટેલ કહે છે, “આ ઇન્જેક્શન ખૂબ ટ્રેન્ડમાં છે અને લોકો તેનાથી વાકેફ છે. પરિણામ પણ સારું મળે છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે અને પેટ ભરેલું લાગે છે. મેં 400થી વધુ દર્દીઓને આ ઇન્જેક્શન આપ્યું છે. પહેલા ઓબેસિટીના દર્દીઓ માટે ડાયટ ચાર્ટ અને કસરત સિવાય કોઈ વિકલ્પ ન હતો. હવે આ ઇન્જેક્શનથી લોકોને રાહત મળે છે. ઉદાહરણ તરીકે, 100 કિલો વજનવાળી વ્યક્તિને ફક્ત ડાયટ અને કસરતથી 4થી 5 કિલો વજન ઘટે છે, જ્યારે ઇન્જેક્શનથી 15થી 20 ટકા અને કેટલાક દર્દીઓમાં 22થી 25 ટકા વજન ઘટે છે. અત્યાર સુધીમાં મારા 2થી 5 ટકા દર્દીઓને સાઈડ ઈફેક્ટ થયા છે.”
અમદાવાદના અન્ય ડાયાબિટોલોજિસ્ટ ડૉ. વિપુલ ચાવડાએ જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષથી ભારતમાં મોઉન્જેરો ઇન્જેક્શનનું વેચાણ થઈ રહ્યું છે. “મેં અત્યાર સુધીમાં 200થી વધુ દર્દીઓને ઇન્જેક્શન આપ્યું છે. આ ઇન્જેક્શન વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે, જેથી ડાયાબિટીસમાં રાહત મળે છે.”
તેઓ ઉમેરે છે, “અમે દર્દીની ચરબી અને ઓબેસિટીના સ્ટેજ જોઈને સારવાર નક્કી કરીએ છીએ. પહેલા શું તકલીફો થઈ શકે તેની ચર્ચા કરીએ છીએ. પછી નક્કી કરીએ છીએ કે કેટલા ટકા વજન ઘટાડવાની જરૂર છે. દર્દી માટે હાઈ-પ્રોટીન ડાયટ ચાર્ટ બનાવીએ છીએ અને કસરત કરવાની સલાહ આપીએ છીએ. દર્દી ઓબેસિટીના કયા સ્ટેજ પર છે, કેટલા ટકા ફેટ છે, તે જોયા પછી જ સારવાર શરૂ કરીએ છીએ. ત્યારબાદ કેટલા ઇન્જેક્શનની જરૂર પડશે તે નક્કી થાય છે.”
ઓબેસિટીની દર્દી હેમાંગીબેન સોજીત્રાએ જણાવ્યું, “મારા પતિના મિત્રની પત્નીએ મોઉન્જેરો ઇન્જેક્શન લીધું હતું, તેણે અમને જાણ કરી. બાળકના જન્મ પછી મારું વજન 95.4 કિલો હતું. હવે ઇન્જેક્શન લેવાનું શરૂ કર્યું છે અને વજન 89 કિલો થઈ ગયું છે. હજી ઘણા ડોઝ બાકી છે. ઇન્જેક્શન શરૂ કર્યાને 25 દિવસ થયા છે.”
સુરતમાં છેલ્લા 18થી 20 વર્ષથી બેરિયાટ્રિક સર્જન અને ઓબેસિટી નિષ્ણાત ડૉ. વિક્રમ લોટવાલાએ જણાવ્યું કે મોઉન્જેરોનો ટ્રેન્ડ વધવાથી ઓપીડીમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. પહેલા મહિને 50-60 દર્દીઓ આવતા હતા, હવે 100થી 140 દર્દીઓ આવે છે. વજન ઘટવું એ શરીરમાં સીધો દેખાતો ફેરફાર હોવાથી પરિણામ મેળવનારા દર્દીઓ પોતાના સગાં-સંબંધીઓ અને મિત્રોને ભલામણ કરે છે, જેના કારણે દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળે છે.
આ ઇન્જેક્શનના પરિણામો અસરકારક હોવાથી સારવાર માટે આવતા લગભગ 80% દર્દીઓ સીધા જ મોઉન્જેરો ઇન્જેક્શનની માંગ કરે છે. જોકે, તેની કિંમત અન્ય વિકલ્પો (જેમ કે વિગોવી કે ઓઝેમ્પિક) કરતાં વધુ હોવા છતાં લોકો તેને પ્રાથમિકતા આપે છે, જ્યારે અમુક દર્દી સસ્તા વિકલ્પો પણ પસંદ કરે છે. હાલ 500-600 દર્દીઓ માત્ર વજન ઘટાડવા માટે નિયમિત ફોલોઅપમાં છે.
આ દવાઓનો ઉપયોગ કેટલા સમય સુધી કરવો પડે તે અંગે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી; તે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની સારવારની જેમ લાંબા ગાળાની અથવા જીવનભર ચાલતી થેરાપી જેવી છે. આ માત્ર ઇન્જેક્શન લેવા પૂરતું સિમિત નથી, પરંતુ એક સંપૂર્ણ પ્રોટોકોલ છે. દવા લેવાની સાથે સ્નાયુઓનું નુકસાન (મસલ લોસ) અટકાવવા માટે હાઈ-પ્રોટીન ડાયેટ લેવું જરૂરી છે તેમજ અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ સ્ટ્રેન્થ ટ્રેનિંગ/કસરત કરવી જોઈએ.