મુસાફરી કરવી ઘણા લોકોને ગમે છે, પરંતુ કેટલાક લોકો માટે આ અનુભવ મુશ્કેલીભર્યો બની જાય છે. બસ, કાર કે પહાડી રસ્તાઓ પર સફર કરતી વખતે ઊલટી, ચક્કર અને ગભરાટ જેવી સમસ્યાઓ થવી સામાન્ય છે. આને મોશન સિકનેસ કહેવામાં આવે છે. જો અગાઉથી યોગ્ય સાવધાની અને ખાનપાનનું ધ્યાન ન રાખવામાં આવે, તો આખો પ્રવાસ બગડી શકે છે.
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આ સમસ્યા ખાસ કરીને બસ, કાર કે પહાડી રસ્તાઓ પર વધુ થાય છે. ખોટો ખોરાક, બંધ વાતાવરણ અને શરીરનું સંતુલન બગડવાને કારણે આ મુશ્કેલી વધી શકે છે. જોકે, કેટલાક સરળ અને અસરકારક ઉપાયો અપનાવીને આ સમસ્યાથી ઘણે અંશે બચી શકાય છે. યોગ્ય તૈયારી અને સાવધાની સાથે તમે તમારી મુસાફરીને આરામદાયક અને આનંદદાયક બનાવી શકો છો.
મુસાફરીમાં ઊલટીથી બચવા માટે કરો આ 5 કામ:
1. હળવો અને યોગ્ય ખોરાક લો: મુસાફરી પહેલાં ભારે, તળેલું કે મસાલેદાર ખાવાનું ટાળો. ખીચડી, ફળ કે ટોસ્ટ જેવો હળવો અને સહેલાઈથી પચી જાય તેવો ખોરાક લો.
2. આદુનું સેવન કરો: આદુ ઊલટી રોકવામાં ખૂબ જ અસરકારક છે. તમે આદુની ચા પી શકો છો અથવા તેના નાના ટુકડાને ચૂસી શકો છો.
3. તાજી હવા લો: બારી પાસે બેસો અને તાજી હવા લેતા રહો. બંધ વાતાવરણમાં બેસવાથી ઊલટીની સમસ્યા વધી શકે છે.
4. મોબાઈલ અને પુસ્તકથી અંતર રાખો: મુસાફરી દરમિયાન મોબાઈલ જોવાથી કે પુસ્તક વાંચવાથી મગજ અને આંખો પર દબાણ આવે છે, જેનાથી ઊલટી થવાની શક્યતા વધી જાય છે.
5. યોગ્ય સીટની પસંદગી કરો: બસ કે કારમાં આગળની સીટ અને ટ્રેનમાં બારી પાસેની સીટ પર બેસવું વધુ સારું રહે છે. આનાથી શરીરનું સંતુલન જળવાઈ રહે છે અને ચક્કર ઓછા આવે છે.