શિયાળાની શરૂઆત થતાં જ ઉત્તર ભારતના ઘણા શહેરોમાં હવાનું પ્રદૂષણ ચિંતાજનક બન્યું છે. દિવાળી પસાર થઈ ગઈ છે, પણ હવાની ગુણવત્તામાં સુધારો થયો નથી. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના શહેરોમાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ નોંધાઈ છે.
ઉપલબ્ધ માહિતી મુજબ પંજાબનું ફરીદકોટ 1156ના AQI સાથે યાદીમાં ટોચ પર છે. ભટિંડામાં 925નો AQI નોંધાયો છે. દિલ્હીમાં સ્તર 562 અને ગુરુગ્રામમાં 584 સુધી પહોંચ્યું છે. સામે ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકાતા જેવા શહેરોમાં હવાની ગુણવત્તા પ્રમાણમાં સારી છે.
દેશના ટોપ-10 પ્રદૂષિત શહેરોની યાદીમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના શહેરોનો સમાવેશ થાય છે. ફરીદકોટ 1156ના AQI સાથે પ્રથમ ક્રમે છે, ભટિંડા 925 સાથે બીજા ક્રમે છે અને ઉત્તર પ્રદેશનું અલીગઢ 832ના AQI સાથે ત્રીજા ક્રમે છે.
હરિયાણાના રોહતકમાં 797, ફરીદાબાદમાં 754, ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં 740, ગાઝિયાબાદમાં 733 અને બુલંદશહેરમાં 727નો AQI નોંધાયો છે. હરિયાણાનું સિરસા 697ના AQI સાથે નવમા ક્રમે છે, જ્યારે ઉત્તર પ્રદેશનું નોઈડા 676ના AQI સાથે દસમા ક્રમે છે. આ તમામ શહેરોને યાદીમાં 'ખતરનાક' શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.
રાજધાની દિલ્હી અને તેની આસપાસના શહેરોમાં પણ પ્રદૂષણ ઘટવાનું નામ લેતું નથી. દિલ્હીમાં 562 અને ગુરુગ્રામમાં 584 AQI નોંધાયો છે. ફરીદાબાદ, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને નોઈડાના આંકડા પણ આ વિસ્તારમાં હવાની ગુણવત્તા બગડી હોવાનું દર્શાવે છે. વાહનોનો ધુમાડો, ઔદ્યોગિક પ્રવૃત્તિ, બાંધકામની ધૂળ અને હવામાનની પરિસ્થિતિ દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ વધવાનાં મુખ્ય કારણોમાંનું એક છે.
શિયાળામાં સવારે અને રાત્રે તાપમાન નીચું રહેતું હોવાથી પ્રદૂષક કણો હવામાં ફેલાતા અટકે છે. પવનની ઓછી ગતિને કારણે આ કણો એક જ વિસ્તારમાં ભેગા થઈ જાય છે. આ અસર ખાસ કરીને વધુ વાહનોની અવરજવર અને બાંધકામ પ્રવૃત્તિવાળા વિસ્તારોમાં સ્પષ્ટ દેખાય છે.
દક્ષિણ અને પૂર્વ ભારતના મુખ્ય શહેરોમાં હવાની ગુણવત્તા ઉત્તર ભારત કરતાં સારી છે. હૈદરાબાદમાં AQI 180, કોલકાતામાં 177, ચેન્નાઈમાં 165 અને મુંબઈમાં 158 નોંધાયો છે. આ આંકડા દેશના વિવિધ ભાગો વચ્ચે પ્રદૂષણના સ્તરમાં મોટો તફાવત દર્શાવે છે.