સત્ય. સાહસ. સંકલ્પ.

મોર્નિંગ બ્રીફ: રાહુલ ગાંધીનો PM મોદીને ચર્ચાનો પડકાર, ટ્રમ્પે હારનું કારણ ઈઝરાયલને ગણાવ્યું

મોર્નિંગ બ્રીફ: રાહુલ ગાંધીનો PM મોદીને ચર્ચાનો પડકાર, ટ્રમ્પે હારનું કારણ ઈઝરાયલને ગણાવ્યું

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. આ વખતે તેમણે સીધા CRPFના જવાનોને ટૅગ કરીને પોસ્ટ કરી છે. છેલ્લા 8 દિવસમાં આ છઠ્ઠી વખત છે જ્યારે રાહુલ ગાંધીએ પીએમ મોદીને ચર્ચા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે પીએમએ તેમને નક્સલી કહ્યા હતા, તેથી હવે તેમની સાથે ચર્ચા કરવી જોઈએ.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડટર્મ ચૂંટણીમાં પાર્ટીની હારનું કારણ ઈઝરાયેલને ગણાવ્યું છે. તેમણે રવિવારે CBS ન્યૂઝના કાર્યક્રમ ‘60 મિનિટ્સ’માં કહ્યું કે ઈઝરાયેલને લઈને અમેરિકન લોકોમાં ઘણો રોષ છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકન લોકો ભલે ઈઝરાયેલને પસંદ કરતા ન હોય, પરંતુ તેમની સરકાર ઈઝરાયેલની ઘણી નજીક છે. ટ્રમ્પે હારનાં અન્ય કારણો પણ ગણાવ્યાં, જેમાં ઈરાન સાથેનું યુદ્ધ અને મોંઘા પેટ્રોલનો સમાવેશ થાય છે.

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશમાં પરત ફરવા માટે નવો પાસપોર્ટ માંગ્યો છે. તેઓ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવા માગે છે. આ અરજી નવી દિલ્હીમાં આવેલા બાંગ્લાદેશ દૂતાવાસમાં કરવામાં આવી છે. તેમના વકીલે સોમવારે લંડનમાં બાંગ્લાદેશના ટોપ રાજદ્વારીને પણ ઈમેલ કર્યો છે. તેમાં હસીના માટે નવો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર જારી કરવાની માંગ કરવામાં આવી છે. હસીના છેલ્લા 2 વર્ષથી ભારતમાં છે.

દુનિયાની મોટી ચિપ કંપની એનવિડિયાના CEO જેન્સન હુઆંગનું એક ચીની મહિલા સાથે અફેર હતું. અમેરિકન ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે આ મહિલા ચીન માટે જાસૂસી કરી રહી હતી અને તેણે હુઆંગ સાથે નિકટતા વધારીને તેમની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી ચીન સુધી પહોંચાડી. મામલો સામે આવ્યા બાદ એનવિડિયાના બોર્ડે હુઆંગ વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ હુઆંગે રવિવારે કંપનીના બોર્ડ સમક્ષ મહિલા સાથે અફેર હોવાની વાત સ્વીકારી હતી. તેમણે પત્ની અને બાળકોની માફી પણ માંગી હતી.

વસતી ગણતરી 2027 માટે ભારતે અત્યાર સુધીનું સૌથી મોટું ડિજિટલ કામ પૂર્ણ કરી લીધું છે. દેશના 24.25 લાખ હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLB)નું મેપિંગ વિશેષ સોફ્ટવેરથી કરવામાં આવ્યું છે. વસતી ગણતરી સમગ્ર ભારતમાં એકસાથે થતી નથી. તેના માટે સમગ્ર દેશને નાના-નાના ભાગોમાં વહેંચવામાં આવે છે. એક બ્લોકમાં 150-200 ઘર હશે અને 800 લોકો સુધીની વસતી હોય છે. એક કર્મચારી 800 લોકોની ગણતરી કરશે.

ગુજરાતમાં દીપાવલીના તહેવારોની ઉજવણી વચ્ચે 3 દિવસમાં બીજીવાર સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલ મળતા દોડધામ મચી છે. અમદાવાદ, સુરત અને વડોદરાની બેંક ઓફ ઈન્ડિયા અને બેંક બરોડાની બ્રાંચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા અલગ અલગ મેઈલ જ તે બેંકને મોકલવામાં આવ્યા. અમદાવાદની બેંક ઓફ ઈન્ડિયાને જે મેઈલ કરવામાં આવ્યો તેમાં 21મી નવેમ્બરે મોદી સ્ટેડિયમમાં આયોજીત દિલજીત દોસાંજના કાર્યક્રમમાં પણ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી. ખાલિસ્તાનના નામે લખાયેલા મેઈલમાં જણાવવામાં આવ્યું કે, ‘ગુજરાતીઓ તમારા છોકરાઓ બચાવો, કોઈ દિલજીત દોસાંજના કાર્યક્રમમાં ન જાય’.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદનો સરખેજ-ઈસ્કોન ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો છે. રાણીપની સભામાં તેમણે કહ્યું કે 31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરીશું. તેમણે લોકોને 1033 નંબર પર ડ્રગ્સ અંગે જાણ કરવા અપીલ કરી છે.