ગઈકાલે રમતગમત અને ગુજરાત રાજ્યના સમાચારોમાં મોટી ઘટનાઓ બની. ક્રિકેટમાં વિરાટ કોહલીએ વન-ડેમાં સૌથી ઝડપી 15,000 રન પૂરા કરીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. બીજી તરફ, ગુજરાતના લગભગ 600 વેપારી સંગઠનોએ 2 ઓક્ટોબરે 'નો UPI' દિવસ જાહેર કર્યો છે.
1. કોહલી-ગિલના શતકથી ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું
તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં રમાયેલી પહેલી વન-ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવ્યું. વેસ્ટ ઇન્ડિઝે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 295 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 41.4 ઓવરમાં 2 વિકેટે 300 રન બનાવીને મેચ જીતી લીધી. ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે.
ભારતના વિરાટ કોહલીએ નોટઆઉટ 139 રનની ઇનિંગ રમી. આ તેની વન-ડેમાં 55મી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 86મી સદી હતી. તે વન-ડેમાં સૌથી ઝડપી 15,000 રન પૂરા કરનારો બેટર બન્યો. તેણે 303 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી. સચિન તેંડુલકરે 2007માં દક્ષિણ આફ્રિકા સામે 377 ઇનિંગ્સમાં 15,000 વન-ડે રન પૂરા કર્યા હતા. કેપ્ટન શુભમન ગિલે પણ શાનદાર શતક ફટકાર્યું.
2. દિલ્હીમાં મંત્રીએ યુવકને તમાચો માર્યો
આમ આદમી પાર્ટીએ રવિવારે X પર એક વીડિયો શેર કર્યો, જેમાં દિલ્હી સરકારના મંત્રી પ્રવેશ વર્મા એક યુવકને થપ્પડ મારતા જોવા મળે છે. AAPનો આરોપ છે કે તિલક નગરમાં રસ્તા બનાવવામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે લોકો તેમને સવાલ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક યુવકને થપ્પડ મારી દીધી. બાદમાં તેમના ગાર્ડ અને સાથીઓએ યુવકને દૂર હટાવ્યો. મંત્રીએ કહ્યું કે યુવકે તેમના પરિવારને ગાળો આપી હતી.
3. દિવાળી પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘા થશે
તહેવારોની સિઝનમાં ઇલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર એપ્લાયન્સ ખરીદવાની યોજના બનાવી રહેલા ગ્રાહકો માટે મોંઘવારી વધવાની છે. 1 ઓક્ટોબરથી કંપનીઓ AC, LED TV, વોશિંગ મશીન અને ફ્રિજ જેવા પ્રોડક્ટ્સની કિંમતોમાં 8% સુધીનો વધારો કરવા જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોપર, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ક્રૂડ ઓઇલ સહિતના કાચા માલની કિંમતોમાં વધારો અને કરન્સીમાં ઉતાર-ચઢાવને કારણે કંપનીઓએ આ નિર્ણય લીધો છે. વર્ષ 2026માં આ ત્રીજો ભાવવધારો હશે.
4. દક્ષિણ આફ્રિકામાં AK-47થી અંધાધૂંધ ગોળીબાર, 17ના મોત
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ નજીક વેડેલા ટાઉનશિપમાં એક બારમાં થયેલા ગોળીબારમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 13 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. રોયટર્સના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે બની હતી. લોકો પાર્ટી કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરો AK-47 લઈને આવ્યા અને ગોળીબાર કર્યો. પોલીસે આરોપીઓની શોધ શરૂ કરી છે.
5. OpenAIની AI સિસ્ટમે UNની સુરક્ષા તોડી
ચેટજીપીટી બનાવનારી કંપની OpenAIની સિસ્ટમે યુનાઇટેડ નેશન્સના ટ્રેડ વિભાગની વેબસાઇટની સુરક્ષા તોડીને ડેટા કાઢી લીધો હોવાનો ખુલાસો થયો છે. શનિવારે જાહેર થયેલા એક સંશોધન અહેવાલ મુજબ, AI સિસ્ટમે ટ્રેડ વિભાગની વેબસાઇટ પર 16,000થી વધુ સર્ચ રિક્વેસ્ટ મોકલી હતી. આ પહેલાં એક અહેવાલમાં સામે આવ્યું હતું કે OpenAIની સિસ્ટમે પોતાની લેબને જાણ કર્યા વિના જ ડેટા એકત્ર કર્યો હતો.