સત્ય. સાહસ. સંકલ્પ.

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: કોંગ્રેસ-ભાજપ વચ્ચે શાબ્દિક જંગ, જૂનાગઢમાં 40 લોકોનું રેસ્ક્યુ

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: કોંગ્રેસ-ભાજપ વચ્ચે શાબ્દિક જંગ, જૂનાગઢમાં 40 લોકોનું રેસ્ક્યુ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ઈન્દોરમાં યોજાયેલા 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નિવેદનબાજી ચાલુ છે. ટાટા ટ્રસ્ટે એન. ચંદ્રશેખરનને ફરીથી ટાટા સન્સના ચેરમેન બનાવવાના નિર્ણયને ગેરકાનૂની ગણાવ્યો છે. આ ઉપરાંત, ગરબા કાર્યક્રમમાં મુસ્લિમોની એન્ટ્રી અંગે ભાજપના ધારાસભ્યએ પણ નિવેદન આપ્યું છે.

આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર

1. દિલ્હીની ડ્રાફ્ટ વોટર લિસ્ટમાંથી 47 લાખ નામ હટાવવા પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે.

કાલના મોટા સમાચારો

1. 'કોંગ્રેસ જોકરોની પાર્ટી બની ગઈ છે': શિક્ષણ મંત્રીએ કહ્યું- PM મોદીની માતાનું અપમાન કર્યું, રાહુલ ગાંધીના 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ પર વિવાદ

રાહુલ ગાંધીના ઈન્દોરમાં યોજાયેલા 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમને લઈને વિવાદ થયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે કાર્યક્રમમાં PM મોદીની માતાનું અપમાન કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ રવિવારે X પરની પોસ્ટમાં લખ્યું- કોંગ્રેસ પાર્ટી કોમેડિયનો અને જોકર્સની પાર્ટી બની ગઈ છે. તેઓ હંમેશા માટે બહાર થઈ ગયા છે… રેસ્ટ ઇન પીસ.

શિક્ષણ મંત્રી પ્રલ્હાદ જોશીએ કહ્યું- રાહુલ અને કોંગ્રેસ પાર્ટી સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. વિદ્યાર્થી સંવાદનો ઉપયોગ PM મોદીની દિવંગત માતાની મજાક ઉડાવવા અને તેમનું અપમાન કરવા માટે કરવો, મૂળભૂત માનવીય સંવેદના અને રાજકીય સંસ્કૃતિના ચોંકાવનારા અભાવને દર્શાવે છે.

2. મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના એંધાણ?: રિયાધ પર હૂતીનો મિસાઇલ એટેક, ઈરાનની 7 આકરી શરતો સામે US બોમ્બર રવાના, દૂતાવાસોને હાઈ-એલર્ટ!

અમેરિકાએ મધ્ય-પૂર્વમાં પોતાના દૂતાવાસો અને નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ વિભાગે આ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે લોકોને વધુ સાવચેત રહેવા જણાવ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો કેમ્પ ડેવિડ પ્રવાસ એક દિવસ વહેલો પૂર્ણ કરીને શનિવારે સાંજે વ્હાઇટ હાઉસ પરત ફર્યા હતા. ટ્રમ્પના વહેલા પરત ફરવાનું કારણ વ્હાઇટ હાઉસે જણાવ્યું નથી.

બીજી તરફ, રશિયા ટુડેના અહેવાલ મુજબ, અમેરિકન B-1B લાન્સર બોમ્બરે બ્રિટનના RAF ફેરફોર્ડ એરબેઝ પરથી ફુલ આફ્ટરબર્નર સાથે ઉડાન ભરીને મધ્ય-પૂર્વ તરફ પ્રયાણ કર્યું છે. ઈરાનના પ્રેસ TVએ પણ ઉત્તર-પૂર્વીય સીરિયાના અલ-હસકાહમાં ખારાબ અલ-જીર એરબેઝ નજીક એર ડિફેન્સ પ્રવૃત્તિની માહિતી આપી છે.

3. હવામાં ઉછળી, રેલિંગ તોડી બ્રિજથી 75 ફૂટ નીચે ખાબકી BMW: અમદાવાદના 21 વર્ષના યુવક સહિત 3નાં મોત, 1 ગંભીર; મુંબઈ કાર અકસ્માતનો રુંવાટા ઉભા કરી દેતો VIDEO

મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે સવારે લગભગ 5:20 વાગ્યે ઝડપી ગતિએ દોડતી BMW ફ્લાયઓવર પરથી આશરે 75 ફૂટ નીચે જઈ પડી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં મોત થયા છે. એક યુવક ગંભીર રીતે ઘાયલ છે. BMW મરીન ડ્રાઇવથી હજી અલી તરફ જઈ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપી ગતિને કારણે ડ્રાઇવરે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું.

ત્યારબાદ BMW ડિવાઇડર સાથે અથડાઈ અને નીચે જઈ પડી. ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે. મૃતકોની ઓળખ શનાય ગજ્જલ (21), આદિત્ય જકસાનિયા (19) અને ધૈર્ય સેઠ (17) તરીકે થઈ છે. ઘાયલ યુવકની ઓળખ આદિત્ય ઓસવાલ (23) તરીકે થઈ છે. ચારેયને નાયર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ત્રણને મૃત જાહેર કર્યા હતા.

4. મુંબઈમાં BJP ધારાસભ્ય બોલ્યા- મુસ્લિમો ગરબામાં આવી શકે છે: પણ તિલક અને પૂજા કરવી પડશે, મંત્રી નિતેશ રાણાએ વિરોધ કર્યો હતો

મુંબઈના બોરીવલીમાં યોજાનારા એક ગરબા કાર્યક્રમમાં મુસ્લિમોના પ્રવેશને લઈને શરત રાખવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે કહ્યું કે ગરબામાં ભાગ લેનારા મુસ્લિમોએ તિલક લગાવવું પડશે અને દેવીની પૂજા કરવી પડશે.

આ પહેલાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નિતેશ રાણેએ પણ નવરાત્રિ દરમિયાન ગરબા આયોજનોમાં મુસ્લિમોના પ્રવેશનો વિરોધ કર્યો હતો. આ વર્ષે શારદીય નવરાત્રિ 11થી 19 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન અલગ-અલગ સ્થળોએ ગરબા અને ડાંડિયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

5. ચૂંટણીના છેલ્લા દિવસે રશિયા ધણધણી ઊઠ્યું: યુક્રેને હજારો ડ્રોન છોડ્યા, ઓઇલ રિફાઇનરી અને ઇમારતો સળગી, 2નાં મોત; 1600 ડ્રોન તોડી પડાયા છતાં મોસ્કોમાં અફરાતફરી

રશિયામાં સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે રવિવારે મોસ્કો અને આસપાસના વિસ્તારોમાં સેંકડો ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા છે.