સત્ય. સાહસ. સંકલ્પ.

કેવડિયામાં 562 રજવાડાંનો ઇતિહાસ સાચવતું મ્યુઝિયમ, 2027 સુધીમાં તૈયાર થશે

કેવડિયામાં 562 રજવાડાંનો ઇતિહાસ સાચવતું મ્યુઝિયમ, 2027 સુધીમાં તૈયાર થશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓને હવે સરદાર પટેલની પ્રતિમા પૂરતી મર્યાદિત નહીં રહેવું પડે. કેવડિયાના એકતાનગર નજીકના લીંબડી ગામમાં દેશના 562 થી વધુ ભૂતપૂર્વ રજવાડાંઓના ઇતિહાસને એક છત નીચે રજૂ કરતું 'મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા' (MORKI) તૈયાર થઈ રહ્યું છે.

મ્યુઝિયમ માટે જમીન ફાળવણી અને સાઇટ સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હાલ બાંધકામ ચાલી રહ્યું છે. બાંધકામ 2027માં પૂર્ણ થવાની શક્યતા છે, ત્યારબાદ ગેલેરીઓમાં પ્રદર્શન ગોઠવવાની કામગીરી હાથ ધરાશે.

આ મ્યુઝિયમમાં માત્ર રાજા-મહારાજાઓની વાત નહીં, પણ આખા ભારતના જોડાણની કહાણી જોવા મળશે. રાજવીઓ કેવી રીતે રાજ કરતા હતા, લોકો માટે શું કામ કરતા હતા, શિક્ષણ-આરોગ્ય તેમજ માળખાકીય સુવિધાઓમાં તેમનું યોગદાન શું હતું અને આઝાદી બાદ આ રજવાડાંઓ ભારત સાથે કેવી રીતે જોડાયાં — આ બધી માહિતી એક જ સ્થળે મળશે. રજવાડાંઓના ભારતીય સંઘમાં વિલીનીકરણની પ્રક્રિયા ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેમાં ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન, રાજાઓ સાથેની ચર્ચાઓ, સંધિઓ અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા ડિજિટલ માધ્યમથી સમજાવાશે.

મ્યુઝિયમની શરૂઆત 'ઓરિએન્ટેશન ગેલેરી'થી થશે, જ્યાં પ્રાચીન સમયથી ભારતમાં રહેલાં દેશી રજવાડાંઓ અને રાજાશાહીના ઇતિહાસનો પરિચય આપવામાં આવશે. પ્રાચીન ભારતના રાજધર્મના સિદ્ધાંતો, વિવિધ યુગના ભારતીય સામ્રાજ્યો તથા 1700ના દાયકામાં વસાહતી શાસનની પૃષ્ઠભૂમિમાં રાજાશાહીના વિકાસને રજૂ કરાશે. સિંહાસન, સિક્કા, રાજદંડ, મુગટ અને પરશોલ જેવાં શાહી પ્રતીકો દ્વારા સાર્વભૌમ સત્તાની કલ્પના પણ દર્શાવાશે.

બીજી ગેલેરી 'ધ થ્રોન એન્ડ ધ સ્ટેટ'માં ભારતીય રાજાઓએ પોતાના રાજ્યના લોકોના રક્ષક અને કલ્યાણકર્તા તરીકે રાજધર્મના સિદ્ધાંતોનો કેવી રીતે અમલ કર્યો તે દર્શાવાશે. આ ગેલેરીમાં ફિઝિકલ ડિસ્પ્લે, ગ્રાફિક્સ, ડિજિટલ લેયરિંગ અને સ્ટોરીટેલિંગનો ઉપયોગ થશે.

ઝોન-1 'રાજ સત્તા મંડલ'માં વિવિધ પ્રદેશોના રાજવંશો, તેમની ઓળખ અને ઇતિહાસ ડિજિટલ તથા ગ્રાફિક ડિસ્પ્લે દ્વારા રજૂ થશે. ઝોન-2 'રાજ્ય પરંપરાયિન'માં ઉજવણીઓ, પરંપરાઓ અને પ્રસંગો ડાયનેમિક ડાયોરામા, સેન્ટ્રલ પ્રોસેશન અને વિન્ડો ડિસ્પ્લે દ્વારા દર્શાવાશે. ઝોન-3 'રાજ્ય કલ્યાણ'માં રજવાડાંઓ દ્વારા કરાયેલા આર્કિટેક્ચરલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસને મોડલ અને ડિજિટલ ઓવરલે દ્વારા રજૂ કરાશે. ઝોન-4 'રાજ્ય સંરક્ષણ'માં સંરક્ષણનાં વિવિધ પાસાં 3D નેટવર્ક્સ, પ્રોપ્સ, ગ્રાફિક્સ અને ડિજિટલ ડિસ્પ્લે દ્વારા સમજાવાશે. શિક્ષણ, ઇમારતો, લાઇબ્રેરી, આર્થિક વિકાસ અને વિદેશ નીતિ જેવા ક્ષેત્રોમાં રજવાડાંઓના યોગદાનને પણ અહીં સ્થાન મળશે.

ત્રીજી ગેલેરી 'સામ્રાજ્ય-રાજ-સ્વરાજ'માં ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ અને આઝાદીની દિશામાં રજવાડાંઓના યોગદાનને રજૂ કરાશે. પાંચ થીમેટિક ઝોનમાં વસાહતી શાસનથી સ્વતંત્રતા અને ત્યારબાદના એકીકરણ સુધીની સફર દર્શાવાશે. ઇમર્સિવ સિનેગ્રાફી, આર્કાઇવલ મીડિયા, ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે અને લેયર્ડ ગ્રાફિક્સના માધ્યમથી દેશી રજવાડાંઓ, રાષ્ટ્રવાદી નેતાઓ અને સામાન્ય લોકોની ભૂમિકા મુલાકાતીઓ સમક્ષ રજૂ થશે.

ચોથી ગેલેરી 'ટુવર્ડ્સ યુનિટી' ભારતના રાજકીય એકીકરણની સૌથી મહત્ત્વપૂર્ણ કહાણી રજૂ કરશે. સરદાર પટેલે 562 રજવાડાંઓને એકીકૃત ભારત સાથે જોડવા માટે કરેલા પ્રયાસો અહીં મુખ્ય વિષય રહેશે. રજવાડાંઓ સાથેની સંધિઓ, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન, સરદાર પટેલની મુલાકાતો અને તે સમયની ઘટનાઓ ડિજિટલ માધ્યમથી સમજાવાશે.

આ ગેલેરીમાં માત્ર રાજકીય પ્રક્રિયા જ નહીં, પણ વ્યક્તિગત રજવાડાંઓના ત્યાગ અને બલિદાનની કહાણી પણ રજૂ થશે. ગેલેરીનો મહત્ત્વનો ભાગ 'હોલ ઓફ યુનિટી' હશે, જ્યાં 562 ભૂતપૂર્વ રજવાડાંઓના ચિહ્નો, ધ્વજ અને સીલ દર્શાવાશે — જે તેમની અલગ ઓળખમાંથી એકતા તરફના પરિવર્તનનું પ્રતીક બનશે. ઉપરાંત 'મેમોરીઝ ઓફ સેક્રિફાઇસ' ઝોનમાં અંધારાવાળી જગ્યામાં પ્રકાશિત વસ્તુઓ, આર્ટિફેક્ટ્સ અને પ્રોપ્સ દ્વારા રજવાડાંઓના બલિદાનની કહાણીઓ રજૂ થશે. 'હોલ ઓફ યુનિટી'માં ઇન્ટરેક્ટિવ સેન્ટ્રલ પૂલની આસપાસ ઇવોકેટિવ મીડિયા પ્રોજેક્શન દ્વારા સામૂહિક એકતાનો અનુભવ કરાવાશે.