રાજકોટથી મોરબી તરફ જઈ રહેલી સ્વિફ્ટ કાર ટંકારા નજીક અકસ્માતનો ભોગ બની હતી. શનિવારે સવારે 8:30 વાગ્યાના અંદાજમાં મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા પાસે પૂરઝડપે આવતી કાર ગોળાઈમાં બેકાબૂ બની હતી. કાર ચાલક સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતાં કાર 8થી વધુ વખત પલટી ખાઈ ગઈ હતી અને બાદમાં વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં કારમાં સવાર બે યુવકો 15 ફૂટ ઉછળીને રોડ પર પટકાયા હતા, જેમાં તેમના મોત થયા છે. મૃતકોમાં અમન ગણેશ બાબરીયા (કાર ચાલક) અને પ્રભાત લામકાનો સમાવેશ થાય છે. કારની પાછળની સીટ પર સવાર જીવણ સવજી ડાભી ઈજાગ્રસ્ત થયા છે, જેમને રાજકોટની મધુરમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ત્રણેય યુવકો રાજકોટના રહેવાસી છે અને ફ્લાવર ડેકોરેશનનું કામ કરે છે. તેઓ મોરબીમાં કામ અર્થે જઈ રહ્યા હતા. ઈજાગ્રસ્ત જીવણ ડાભીએ જણાવ્યું કે, "મોરબીથી ટંકારા પહોંચ્યા ત્યાં ગાડી પલટી મારી ગઈ. ત્યારબાદ શું થયું તેનો મને ખ્યાલ નથી. અકસ્માત કેવી રીતે થયો તે ખબર નથી, પરંતુ પ્રભાત અને અમન આગળ બેઠા હતા અને હું પાછળ બેઠો હતો. ગાડી કોઈ વાહન સાથે ભટકાઈ ન હતી. મને હોઠ અને કમરના ભાગે ઈજા થઈ છે. ગાડી ઊભી રહી ત્યારબાદ હું રહી-રહીને ગાડીમાંથી બહાર નીકળ્યો હતો. હું બેભાન તો ન હતો, પરંતુ ગાડીએ એટલા ગોથા માર્યા કે મને કંઈ મગજમાં રહ્યું નથી."
પોલીસે અકસ્માત સંદર્ભે જીવણ સવજી ડાભીની ફરિયાદના આધારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં સ્વિફ્ટ કાર નંબર GJ 3 PR 5938ના ચાલક મૃતક અમન ગણેશ બાબરીયા સામે ગુનો નોંધ્યો છે. કારને ભારે નુકસાન પહોંચ્યું છે.