સત્ય. સાહસ. સંકલ્પ.

મોરબીમાં યુવકનો આપઘાત: વ્યાજખોરી સામે પોલીસની કાર્યવાહી, કચ્છમાં 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

મોરબીમાં યુવકનો આપઘાત: વ્યાજખોરી સામે પોલીસની કાર્યવાહી, કચ્છમાં 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રક્ષાબંધનના દિવસે ભાજપ યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જ અમૃતસિંહ જાડેજાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ભાગીદારીમાં શરૂ કરેલી ચા-નાસ્તાની હોટલ ન ચાલતા તેમણે યુવરાજ ઉર્ફે લાલા પાસેથી રૂ. 3.25 લાખ વ્યાજે લીધા હતા. નિયમિત વ્યાજ ચૂકવવા છતાં આરોપી મયુર ડોડીયા અને યુવરાજે તેમની બલેનો કાર બળજબરીથી પડાવી લઈ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.

પત્ની ઇલાબાની ફરિયાદ અને સુસાઇડ નોટના આધારે પોલીસે બંને વ્યાજખોરો મહેશ ઉર્ફે મયુરસિંહ ચૌહાણ અને લાલા ખવાસની ધરપકડ કરી કાર તથા બે મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના બાદ કચ્છના કોઠારામાં પોલીસે વ્યાજખોરીના ગોરખધંધા સામે લાલઆંખ કરીને રૂ. 2.25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંચાલકો પાસે માન્ય લાયસન્સ ન હોવા છતાં 10 ટકાના ઊંચા વ્યાજે નાણાં આપી, નાણાં ન ચૂકવાય તો ધાકધમકી આપી જમીન, મિલકત અને દાગીના હડપ કરી લેતા હતા. કોઠારા પોલીસે તપાસ દરમિયાન રૂ. 1.24 કરોડની રોકડ, સોના-ચાંદીના દાગીના, 77 સહી કરેલા ચેક અને દસ્તાવેજો કબજે કર્યા છે.

આ મામલે આમદ મંઘરા અને ઓસમાણ મંઘરા સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ છે, જ્યારે પશ્ચિમ કચ્છ પોલીસે લોકોને બિનઅધિકૃત વ્યાજખોરોથી બચવા અને ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.