સત્ય. સાહસ. સંકલ્પ.

મોરબીના સાહિલને યુક્રેન છોડવા તૈયાર, ભારત સરકારના જવાબની રાહ

મોરબીના સાહિલને યુક્રેન છોડવા તૈયાર, ભારત સરકારના જવાબની રાહ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારના રહેવાસી સાહિલ માજોઠી છેલ્લા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં છે. તેમની મુક્તિ માટે તેમની માતા અને દિલ્હી હાઈકોર્ટના વકીલ દીપા જોસેફ સતત પ્રયાસો કરી રહ્યા છે. વકીલે સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં જણાવ્યું કે યુક્રેન સરકાર અને તેમના અધિકારીઓ તરફથી તેમને સારો સહકાર મળ્યો છે, પરંતુ ભારત સરકાર તરફથી એટલો સહકાર મળ્યો નથી.

વકીલે વધુમાં કહ્યું કે, "હું વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી જયશંકરને વિનંતી કરું છું કે ફક્ત તમારા એક ઈમેલથી આ છોકરો ભારત પાછો આવી શકે છે. 21-22 વર્ષના યુવાનનું આખું ભવિષ્ય આપણા હાથમાં છે. તેથી હું હાથ જોડીને વિનંતી કરું છું કે યુક્રેન સરકાર, તેમના બ્રિગેડિયર અને એમ્બેસી સાથે સંકલન કરીને તેને છોડાવવાની પ્રક્રિયા પૂરી કરો."

ગત 5 નવેમ્બરે વકીલ દીપા જોસેફે યુક્રેન પહોંચીને ડિટેન્શન સેન્ટરમાં સાહિલની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સાહિલની તેની માતા હસીનાબેન સાથે વોટ્સએપ કોલ પર વાતચીત કરાવી હતી. લગભગ બે મહિના પછી માતા-પુત્ર વચ્ચે 20-25 મિનિટ સુધી વાતચીત થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

સાહિલ વર્ષ 2024માં અભ્યાસ માટે રશિયા ગયો હતો, જ્યાં તે કુરિયર બોય તરીકે પાર્ટ-ટાઇમ કામ કરતો હતો. અજાણતાં ડ્રગ્સ ધરાવતું પાર્સલ ડિલિવરી માટે આવતાં રશિયાની કોર્ટે તેને 7 વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જેલના કેદીઓને યુદ્ધમાં મોકલવાની નીતિ હેઠળ સાહિલે ના પાડી હોવા છતાં તેને જબરદસ્તીથી હથિયારો સાથે યુક્રેન સરહદે લડવા મોકલવામાં આવ્યો હતો.

યુદ્ધમાં નિર્દોષ લોકો સામે લડવાને બદલે સાહિલે 8 ઓક્ટોબર 2025ના રોજ યુક્રેન સૈન્ય સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. ત્યારથી તે યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં સુરક્ષિત છે. કોલ પર વાતચીત દરમિયાન સાહિલે જણાવ્યું હતું કે તે હાલ સોફા અને ફર્નિચર બનાવવાનું કામ કરે છે તથા યુક્રેન આર્મી અને સરકાર તરફથી તેને પૂરતો સહકાર મળી રહ્યો છે. તેણે મોરબીમાં રહેતા પરિવારજનોના ખબરઅંતર પણ પૂછ્યા હતા.

સાહિલને સલામત રીતે ભારત પરત લાવવા માટે તેની માતા હસીનાબેને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી તેમજ સ્થાનિક સાંસદ-ધારાસભ્યોને રજૂઆતો કરી છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં કાનૂની પ્રક્રિયા પણ ચાલુ છે. પરિવારજનોને આશા છે કે દિલ્હી હાઈકોર્ટ અને વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપથી સાહિલ વહેલી તકે મોરબી પરત ફરશે.