સત્ય. સાહસ. સંકલ્પ.

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરની પૌરાણિક કથા: બ્રહ્માજીનું તપ અને મહારાજાનું યોગદાન

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરની પૌરાણિક કથા: બ્રહ્માજીનું તપ અને મહારાજાનું યોગદાન

મોરબી શહેરથી આશરે 10 કિલોમીટર દૂર આવેલું રફાળેશ્વર મહાદેવનું મંદિર પૌરાણિક કથાઓ માટે જાણીતું છે. આ સ્થળે બ્રહ્માજી, રંભ્ય મુનિ અને રાજકુમાર રિપુપાલે તપ કર્યાની માન્યતા છે.

લોકવાયકા અનુસાર, બ્રહ્માજીએ લક્ષ્મીજીની કૃપા મેળવવા અહીં કઠોર તપ કર્યું હતું, જેનાથી પ્રસન્ન થઈને લક્ષ્મીજીએ તેમને વરદાન આપ્યું હતું. અન્ય એક કથા મુજબ, રંભ્ય નામના મુનિએ અહીં શિવજીની આરાધના કરી હતી, જેના કારણે આ સ્થળ 'રંભયેશ્વર' તરીકે ઓળખાયું. ત્રીજી માન્યતા પ્રમાણે, રાજકુમાર રિપુપાલે પણ ઋષિના આદેશથી તપ કર્યું, જેથી આ જગ્યાનું નામ 'રિપુફાડેશ્વર' પડ્યું. સમય જતાં અપભ્રંશ થતાં હવે તે 'રફાળેશ્વર' તરીકે ઓળખાય છે.

મંદિરના વિકાસમાં મોરબીના મહારાજા લખધીરજીનું મહત્વનું યોગદાન છે. તેમણે તે સમયે અંદાજે એક લાખ રૂપિયાના ખર્ચે ભવ્ય મંદિર બંધાવ્યું હતું. મંદિરની બાજુમાં 40x40નો વિશાળ કુંડ પણ આવેલો છે, જેમાં સ્નાન કરવાથી ભક્તો પુણ્ય મેળવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર, અહીં પીપળાને જળ ચડાવવાથી અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સદગતિ મળે છે. અમાસના દિવસે આ મંદિરે પિતૃતર્પણનું વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અહીં મોટો મેળો ભરાય છે, જેમાં દૂરદૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.