મોરબીના જેતપુર વિસ્તારમાં વીજ લાઈનને લઈને ચાલી રહેલા ખેડૂતોના આંદોલન અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. સીદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાની આગેવાનીમાં યોજાયેલી આ બેઠક બાદ તેમણે જણાવ્યું કે સરકાર સાથેની ચર્ચા સફળ રહી છે અને સરકારનો અભિગમ સંપૂર્ણ સકારાત્મક છે.
ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સંગઠન મંત્રી રત્નાકરજી સાથે જગદીશ કોટડિયાની લગભગ એક કલાક ગહન ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ખેડૂતોના બાકી રહેલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
મોરબી સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજ પોલ, ખેતરોમાંથી પસાર થતા કોરિડોર અને તાર નાખવાને કારણે ખેડૂતોને થતા નુકસાન તથા વળતર અંગે ખેડૂતો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. અગાઉની બેઠકોમાં કુલ 24 મુદ્દાઓમાંથી 21 મુદ્દાઓનો ઉકેલ મળી ચૂક્યો છે. બાકી રહેલા ત્રણ મુખ્ય મુદ્દાઓ પર હવે ચર્ચા થઈ છે. આમાં એમ.આર.સી. કમિટીમાં ખેડૂતોને પ્રાધાન્ય આપવા, ખેતરોમાં કોરિડોર અને તાર નાખતી વખતે ઊભા પાકને થતા નુકસાનનું પૂરતું વળતર આપવાનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે તેમને કોઈપણ પ્રકારે અન્યાય નહીં થાય. સરકારની ટેક્નિકલ ટીમ આ મુદ્દાઓનો અભ્યાસ કરી રહી છે. જગદીશ કોટડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં આંદોલનનો સુખદ નિવેડો આવશે.
સરકાર દ્વારા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોને ફરી બેઠક માટે આમંત્રિત કરવામાં આવશે. આ બેઠકમાં બાકી રહેલા પ્રશ્નોનો કાયમી અને સંતોષકારક ઉકેલ આવવાની ધારણા છે, જેનાથી લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનનો અંત આવે તેવી આશા બંધાઈ છે.