સત્ય. સાહસ. સંકલ્પ.

મોરબી: નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 5 ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર

મોરબી: નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 5 ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર

મોરબી જિલ્લાની એલસીબી ટીમે માળીયા (મીં) તાલુકાના મોટા દહિંસરા ગામે રહેણાંક મકાનમાં ચાલતી કેમિકલ યુક્ત ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ગેરકાયદે ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી પાંચ આરોપીઓને રંગેહાથ પકડ્યા છે, જ્યારે મુખ્ય આરોપી અજયસિંહ જાડેજા ફરાર થઈ ગયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ નકલી દારૂ બજારમાં ઠલવાય તે પહેલાં જ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ ઘટના ભાવનગરમાં તાજેતરમાં બનેલા નકલી વિદેશી દારૂ કાંડ જેવી જ છે, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.

રાજ્ય સરકાર અને પોલીસ વરિષ્ઠ અધિકારીઓના આદેશ બાદ ગેરકાયદે દારૂ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ભુજ રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયા અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમને બાતમી મળી હતી.

બાતમીના આધારે પોલીસ ટીમે મોટા દહિંસરા ગામના દરબારગઢ વિસ્તારમાં આવેલા આરોપી અજયસિંહ જાડેજાના મકાન પર દરોડો પાડ્યો હતો. ત્યાં મહેશ ઉર્ફે મુન્નો ધરમશીભાઈ કાંજીયા સહિતના લોકો કેમિકલ મિશ્રણ કરી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી રહ્યા હતા.

આ લોકો તૈયાર દારૂ પર બ્રાન્ડેડ કંપનીના ક્યુઆર કોડ, બારકોડ અને સ્ટીકરો લગાવીને પેકિંગ કરતા હતા. ઘટનાસ્થળેથી 400 લિટર આલ્કોહોલ જેવું કેમિકલ, બે બેરલમાં રહેલું મિશ્રણ, બોટલિંગ અને પેકેજિંગની સામગ્રી, 1400 જેટલી ખાલી બોટલો, બારકોડ અને ક્યુઆર કોડના સ્ટીકરો, 23 પેટી તૈયાર નકલી બ્લેન્ડર્સ સ્પાઈડ વ્હિસ્કી, રોકડ રૂપિયા 6.5 લાખ અને એક કાર સહિત કુલ રૂ. 20,75,444નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલે જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓએ ખાલી બોટલો બે-ત્રણ દિવસ પહેલાં જ મંગાવી હતી અને પેકિંગનું કામ ચાલુ હતું ત્યારે જ પોલીસે દરોડો પાડ્યો હતો. આથી આ દારૂ બજારમાં પહોંચી શક્યો નથી.

પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી અજયસિંહ જાડેજા અગાઉ પણ દારૂના ગુનામાં સંડોવાયેલો છે અને તે કચ્છની પાલારા જેલમાં હતો ત્યારે રાજસ્થાનના એક આરોપી સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું. તે ફરાર થઈ ગયો છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.