મોરબી જિલ્લાના હળવદ શહેરમાં બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી અનુસાર, રસ્તા પર કાર અને બાઇક સામસામે આવી જતાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં પરિણમી હતી.
ઘટના બાદ મોરબી ચોકડી ખાતે ફરી એકવાર માથાકૂટ થઈ અને તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનામાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તુરંત સક્રિય થઈ ગયું હતું. હળવદમાં કાયદો-વ્યવસ્થા જાળવવા અને વધુ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડીવાયએસપી અને એલસીબી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે.
પોલીસે મોડી રાત્રે ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધર્યું હતું. ખાસ કરીને નવરાત્રિના તહેવારો દરમિયાન શાંતિભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.