સત્ય. સાહસ. સંકલ્પ.

મોરબીમાં ગણપતિ વિસર્જન દરમિયાન મચ્છુ નદીમાં ડૂબકી, એક યુવકનું મોત, એક લાપતા

મોરબીમાં ગણપતિ વિસર્જન દરમિયાન મચ્છુ નદીમાં ડૂબકી, એક યુવકનું મોત, એક લાપતા

મોરબીના જુના સાડુળકા પાસે મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના બની છે. ગણપતિ વિસર્જન માટે ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ અને રેસ્ક્યૂ ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ દુર્ઘટનામાં બે યુવાનોને સ્થાનિકોની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પાણીમાં ગરકાવ થયેલા અન્ય બે યુવાનોમાંથી એકનો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો. મૃતકની ઓળખ મેળવવાની કામગીરી ચાલી રહી છે. સોહન ફુલડિયા નામનો એક યુવક હજુ લાપતા છે.

રાત્રીના અંધારાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી પડી હતી. સવાર થતાં જ લાપતા યુવકની શોધખોળ તેજ કરવામાં આવી છે. મોરબી ફાયર ટીમ મચ્છુ નદીમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન કરવા તંત્ર દ્વારા મનાઈ કરવામાં આવી હોવા છતાં લોકો ત્યાં વિસર્જન માટે પહોંચ્યા હતા. અગાઉ પણ આ વિસ્તારમાં આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે. હાલ લાપતા સોહન ફુલડિયાની શોધ ચાલી રહી છે અને રેસ્ક્યૂ ટીમ શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.

તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જોખમી નદી કે પાણીના સ્થળો પર ગણપતિ વિસર્જન ન કરે અને વિસર્જન માટે નક્કી કરાયેલા સુરક્ષિત સ્થળોનો જ ઉપયોગ કરે.