સત્ય. સાહસ. સંકલ્પ.

મોરબીના જેતપરમાં ખેડૂતોના વીજપોલ વળતર મુદ્દે સિદસર ઉમિયાધામની મધ્યસ્થી, ત્રણ માગો પર સરકાર સકારાત્મક

મોરબીના જેતપરમાં ખેડૂતોના વીજપોલ વળતર મુદ્દે સિદસર ઉમિયાધામની મધ્યસ્થી, ત્રણ માગો પર સરકાર સકારાત્મક

મોરબીના જેતપર ખાતે ખેડૂતો વીજપોલના વળતર મુદ્દે લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. આ મુદ્દે સિદસર ઉમિયાધામે ખેડૂતો અને સરકાર વચ્ચે સમાધાન સધાય તે માટે ફરી એકવાર મધ્યસ્થીની ભૂમિકા ભજવી છે. સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદિશ કોટડિયાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં ખેડૂતોની 24 માંથી બાકી રહેલી ત્રણ માગો પર ચર્ચા થઈ હતી. અગાઉ 21 માગો સરકારે સ્વીકારી લીધી હતી, પરંતુ ત્રણ માગો અંગે હજુ સંમતિ સધાઈ નથી. જગદિશ કોટડિયાએ બેઠક બાદ દાવો કર્યો છે કે સરકાર આ ત્રણેય માગો અંગે સકારાત્મક વલણ ધરાવે છે અને નજીકના દિવસોમાં સંતોષકારક નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

ખેડૂતોની મુખ્ય માગોમાં વળતર નક્કી કરવા માટેની સમિતિમાં ખેડૂત પ્રતિનિધિની ભૂમિકા મહત્વની છે. ખેડૂતોની ચિંતા એ છે કે જો સરકાર અને કંપનીના પ્રતિનિધિઓ એકજૂથ થઈ જાય તો તેમને ન્યાય ન મળે. તેથી ત્રણ સભ્યોની સમિતિમાં ખેડૂત પ્રતિનિધિની સંડોવણી ફરજિયાત હોવી જોઈએ.

બીજી મહત્વની માગ હાઈવોલ્ટેજ લાઈનના કોરિડોર હેઠળની જમીનના વળતર અંગેની છે. વીજપોલ નીચેની જમીન ખેડૂતોની માલિકીની હોવા છતાં તેનો ઉપયોગ થઈ શકતો નથી. ખેડૂતો ત્યાં ઊભા રહી શકતા નથી, બાંધકામ કરી શકતા નથી કે પાક લઈ શકતા નથી. આ જમીનનું કોઈ વળતર વીજ કંપની દ્વારા આપવામાં આવતું નથી. આ મુદ્દે પણ સરકાર સકારાત્મક હોવાનું જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે જેતપરના આંદોલન બાદ રાજ્ય સરકારે નવો પરિપત્ર બહાર પાડી જમીનના વળતરની રકમમાં વધારો કર્યો હતો, છતાં ખેડૂતોમાં અસંતોષ રહ્યો હતો. સિદસર ઉમિયાધામ દ્વારા આ બીજી વખત મધ્યસ્થીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે જોવાનું એ છે કે સરકારનો નવો પરિપત્ર કે યોજના ખેડૂતોને કેટલી ગ્રાહ્ય રહે છે.