સત્ય. સાહસ. સંકલ્પ.

મોરબીમાં ડમ્પરે કારને ટક્કર મારતા બે શ્રમિકોના મોત, છ ગંભીર ઈજાગ્રસ્ત

મોરબીમાં ડમ્પરે કારને ટક્કર મારતા બે શ્રમિકોના મોત, છ ગંભીર ઈજાગ્રસ્ત

મોરબી જિલ્લાના પીપળીયા હાઈવે પર લુટાવદર ગામ નજીક શુક્રવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા એક ડમ્પરે આગળ જઈ રહેલી કારને ટક્કર મારતા કારમાં સવાર આઠ શ્રમિકોમાંથી બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય છ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, કારમાં કુલ આઠ શ્રમિકો સવાર થઈને જઈ રહ્યા હતા. પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે ટક્કર મારતા કારમાં સવાર શ્રમિકો ગંભીર રીતે ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ભારે જહેમત બાદ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને ડમ્પર બંનેના ફુરચા ઉડી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા તમામ છ શ્રમિકોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને ડમ્પર ચાલકની લાપરવાહી કેટલી હતી તે અંગે સઘન તપાસ હાથ ધરી છે.