મોરબીના સિરામિક ઉદ્યોગે ગેસ, કોલસા અને વીજળીના ખર્ચમાં થયેલા વધારાને કારણે ટાઈલ્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મોરબીમાં કાર્યરત આશરે 250 વિટ્રીફાઈડ ટાઈલ્સ ઉત્પાદન એકમોએ સર્વાનુમતે લીધો છે. ઉદ્યોગસૂત્રોના જણાવ્યા અનુસાર, વિટ્રીફાઈડ ટાઈલ્સના ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. 3.50 અને વોલ ટાઈલ્સના ભાવમાં પ્રતિ બોક્સ રૂ. 20નો વધારો કરવામાં આવ્યો છે, જે અંદાજે 12 ટકા જેટલો છે. જોકે, ફ્લોર ટાઈલ્સના ભાવ અંગે હજુ નિર્ણય લેવાયો નથી.
ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થતાં ઉત્પાદકોએ તેનો બોજ ગ્રાહકો પર નાખ્યો છે. ઉત્પાદનમાં સૌથી મોટો ખર્ચ ઉર્જાનો હોવાથી ગેસના ભાવમાં થયેલો વધારો સીધી રીતે ટાઈલ્સની પડતર કિંમતને અસર કરી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારમાં અસ્થિરતા વધી છે, જેની અસર સ્થાનિક ઈંધણ ખર્ચ પર પણ પડી રહી છે.
તાજેતરમાં મોરબીના ઔદ્યોગિક કુદરતી ગેસના દરમાં પણ વધારો થયો હતો. હવે પ્રોપેનના ભાવમાં રૂ. 1.35નો વધારો થતાં ગેસ આધારિત એકમો માટે ખર્ચનું દબાણ વધુ વધ્યું છે. માત્ર ઈંધણ જ નહીં, વીજળીના દરમાં વધારાથી પણ ભઠ્ઠી, ઉત્પાદન અને અન્ય પ્રક્રિયાઓનો ખર્ચ ઊંચો થયો છે. આ ભાવ વધારાને કારણે બાંધકામનો ખર્ચ વધશે, જેની સીધી અસર લોકોના બજેટ પર થશે.