મોરબીનો સિરામિક ઉદ્યોગ છેલ્લા છ મહિનાથી સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવને કારણે ગેસ સંકટ શરૂ થયું હતું, તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસ ઘટી હતી અને કન્ટેનર ભાડામાં મોટો વધારો થયો હતો. આ તમામ પડકારો વચ્ચે હવે પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ. 7300નો વધારો થયો છે, જેનાથી ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થશે.
દિવાળી પહેલા ઉદ્યોગકારોને ગેસના ભાવમાં રાહતની આશા હતી, પરંતુ તેના બદલે ભાવ વધ્યો છે. કંડલા અને પોરબંદરથી મોરબી આવતા પ્રોપેન ગેસના ભાવમાં આ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પ્રોપેન ગેસ નેચરલ ગેસ કરતાં સસ્તો હતો, તેથી ઉદ્યોગકારો તેનો ઉપયોગ કરતા હતા. હવે પ્રોપેન ગેસના ભાવ નેચરલ ગેસની નજીક પહોંચી ગયા છે, જેથી સસ્તા બળતણનો વિકલ્પ પણ બંધ થઈ ગયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી ચાલુ છે, તૈયાર માલનો ઉપાડ ઓછો છે અને ગેસના ભાવ સતત વધી રહ્યા છે. આથી ઉત્પાદન ખર્ચ સંભાળવો ઉદ્યોગકારો માટે મુશ્કેલ બન્યો છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે.