મોરબીમાં મચ્છુ નદીના કાંઠે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. આજે મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ગર્ભગૃહમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજ સહિત કુલ 17 દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરીને હરિભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો.
ગઈકાલે રવાપર ગામના રામેશ્વર પાર્ટી પ્લોટથી મંદિર સુધી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં પ્રતિષ્ઠા પામનારી તમામ મૂર્તિઓને આકર્ષક ફ્લોટ્સમાં બિરાજમાન કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેનું સિરામિક એસોસિએશન, વિવિધ સંગઠનો અને જ્ઞાતિ સમાજો દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું હતું. આ મહોત્સવમાં રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો સહિત અનેક રાજકીય તથા સામાજિક આગેવાનોએ ભાગ લીધો હતો.
મંદિરના ગર્ભગૃહમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજ ઉપરાંત રાધા-કૃષ્ણ ભગવાન, રામ પરિવાર, શિવ પરિવાર, ગુરુપરંપરા તેમજ નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિઓ પૂર્ણ વિધિવિધાન સાથે સ્થાપિત કરવામાં આવી છે.
મંદિરમાં 5000 હરિભક્તો એકસાથે બેસી શકે તેવો પિલર-લેસ (થાંભલા વગરનો) વિશાળ કૂલિંગ સત્સંગ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. આજે સવારના ધાર્મિક વિધિ-વિધાન બાદ સાંજે 4:00 વાગ્યાથી વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.