મોરબી કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીમાં મોટો ઉલટફેર સર્જાયો છે. વર્ષોથી APMC પર મજબૂત પકડ ધરાવતી સહકારી પેનલની કારમી હાર થઈ છે, જ્યારે કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલે વિજય મેળવ્યો છે. આ સાથે બે દાયકા જૂના સહકારી પેનલના વર્ચસ્વનો અંત આવ્યો છે.
ચૂંટણી પરિણામો અનુસાર, ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી 7 બેઠકો પર ખેડૂત પરિવર્તન પેનલના ઉમેદવારો વિજયી થયા છે, જ્યારે સહકારી પેનલને 3 બેઠકો મળી છે. વેપારી વિભાગની 4 બેઠકોમાંથી 2 પર સહકારી પેનલ અને 2 પર ખેડૂત પરિવર્તન પેનલે જીત મેળવી છે.
કોંગ્રેસ નેતાઓએ આ જીતને પોતાની પેનલની નહીં, પરંતુ ખેડૂતોની જીત ગણાવી છે. તેમણે દાવો કર્યો કે ખેતરોમાં ખેડૂતોની મંજૂરી વગર વીજપોલ નાખવાની કામગીરી સામે ખેડૂતોમાં રોષ હતો, જે ચૂંટણી પરિણામમાં દેખાયો છે. કોંગ્રેસે આ વિજયનો શ્રેય ખેડૂત આંદોલનને આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે મોરબી APMC ચૂંટણીમાં ખેડૂત પરિવર્તન પેનલનો આ વિજય સહકારી ક્ષેત્રમાં મોટા પરિવર્તનનો સંકેત આપે છે.