મોરબીના વાઘપરા વિસ્તારમાં મહિલા વકીલની પાર્ક કરેલી કારને પડોશીએ પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી છે. આગ લગાડ્યા બાદ આરોપીએ પોતાના મોબાઈલમાં ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
એડવોકેટ પુષ્પા ભટ્ટે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની સ્વિફ્ટ કાર ઘર પાસે પાર્ક હતી. 28 ઓક્ટોબરે સાંજે 4:45 વાગ્યાના અરસામાં પડોશી શિખર ગોહેલે બોટલમાંથી પેટ્રોલ છાંટીને કારને આગ લગાવી હતી. આરોપીએ માત્ર આગ જ નહોતી લગાવી, પરંતુ કાર સળગાવીને પોતાના મોબાઈલ ફોનમાં આખી ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, આરોપી શિખર ગોહેલ બોટલ લઈને સ્વિફ્ટ કાર પાસે આવે છે અને તેના બોનેટ તથા આગળના ભાગે પેટ્રોલ છાંટે છે. ત્યાર બાદ તે દિવાસળી ચાંપી કારને સળગાવી દે છે. આગ ભભૂકી ઊઠતાં જ આરોપી થોડે દૂર ખસીને ઊભો રહે છે અને પોતાના મોબાઈલ કેમેરામાં તેનો વીડિયો શૂટ કરવા લાગે છે. શેરીમાં લોકોની અવરજવર હોવા છતાં તે વીડિયો બનાવતો જોવા મળે છે અને જોતજોતામાં કાર આગમાં લપેટાઈ જાય છે. ત્યાર બાદ આરોપી શિખર અન્ય કારમાં બેસી ત્યાંથી ચાલ્યો જાય છે.
મહિલા વકીલની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી શિખર ગોહેલની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. આગમાં કાર સંપૂર્ણપણે લપેટાઈ જતાં રૂ. 3.50 લાખનું નુકસાન થયું છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે, કારનું સેન્સર વારંવાર વાગતું હોવાના અવાજથી કંટાળીને તેણે પેટ્રોલ છાંટી કાર સળગાવી દીધી હતી. કારમાં કોઈ વ્યક્તિ કે પ્રાણી અડે ત્યારે સેન્સર વાગતું હતું.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના એક દિવસ પહેલાં મોરબીના રવાપર રોડ પર આવેલ અનુપમ સોસાયટીમાં પાર્ક કરેલી બ્રેઝા ગાડીને બે અજાણ્યા શખસોએ રાત્રિના સમયે સળગાવી દીધી હતી. તે બનાવ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. હાલમાં બંને ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.