સત્ય. સાહસ. સંકલ્પ.

ચંદ્ર પર 10,000થી વધુ તિરાડો: ભૂકંપનું જોખમ, NASAની તસવીરોએ ચોંકાવ્યા

ચંદ્ર પર 10,000થી વધુ તિરાડો: ભૂકંપનું જોખમ, NASAની તસવીરોએ ચોંકાવ્યા

નાસાના વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર 10,000થી વધુ એવી તિરાડો શોધી છે, જ્યાં ભૂકંપ આવી શકે છે. લૂનર રિકોનિસન્સ ઓર્બિટર કેમેરા (LROC)ની તસવીરોના અભ્યાસ પરથી આ માહિતી મળી છે. આ અભ્યાસ 'ધ પ્લેનેટરી સાયન્સ જર્નલ'માં પ્રકાશિત થયો છે.

વૈજ્ઞાનિકોના મતે ચંદ્રનો અંદરનો ભાગ ધીમે-ધીમે ઠંડો થઈ રહ્યો છે, જેના કારણે ચંદ્રનું કદ નાનું થઈ રહ્યું છે. છેલ્લા લગભગ 40 કરોડ વર્ષમાં ચંદ્રની ત્રિજ્યા લગભગ 45 મીટર ઘટી છે. સંશોધકોનું અનુમાન છે કે જો આ જ ગતિ ચાલુ રહે, તો દર 10 લાખ વર્ષમાં ત્રિજ્યા 6થી 11 સેન્ટિમીટર ઘટી શકે છે. એટલે કે ચંદ્રની અંદર આજે પણ ફેરફારો થઈ રહ્યા છે.

વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લાંબી અને ઉપસેલી રચનાઓનો અભ્યાસ કર્યો, જેને લોબેટ સ્કાર્પ અને મારે રિજ કહે છે. આ રચનાઓ ચંદ્ર સંકોચાવાને કારણે બને છે. સંકોચાવાને લીધે સપાટી પર દબાણ વધે છે અને તિરાડો પડે છે. આ તિરાડોમાં હલચલ થાય ત્યારે ચંદ્ર પર ભૂકંપ આવે છે, જેને 'મૂનક્વેક' કહેવામાં આવે છે.

એલઆરઓસી કેમેરાની તસવીરોના વિશ્લેષણમાં ચંદ્ર પર 8,900થી વધુ લોબેટ સ્કાર્પ અને 2,000થી વધુ નાની મારે રિજ મળી આવી છે. આ બંને પ્રકારની રચનાઓ ચંદ્રના સંકોચાવને કારણે સપાટી પર થતા ફેરફારો સાથે સંકળાયેલી છે.

વર્ષ 2019માં વૈજ્ઞાનિક ટોમ વોટર્સ અને તેમની ટીમે પણ ચંદ્રની સપાટી પરની તિરાડો અને ભૂકંપ વચ્ચેનો સંબંધ દર્શાવતા પુરાવા આપ્યા હતા. અપોલો મિશન દરમિયાન ચંદ્ર પર લગાવવામાં આવેલા સિસ્મોમીટરે નોંધેલા ભૂકંપોનું કેન્દ્ર તિરાડોની ખૂબ નજીક હતું. આનાથી વૈજ્ઞાનિકોને સમજાયું કે સપાટી પર દેખાતી આ રચનાઓ ભૂકંપ સાથે જોડાયેલી હોઈ શકે છે.

પૃથ્વીની સપાટી લગભગ 15 મોટી પ્લેટોમાં વહેંચાયેલી છે અને લગભગ 90 ટકા ટેક્ટોનિક અને ભૂકંપીય ગતિવિધિઓ આ પ્લેટોની સીમાઓ નજીક થાય છે. પરંતુ ચંદ્રની સપાટી એક જ મોટી પ્લેટ જેવી છે, ત્યાં પૃથ્વી જેવી ઘણી પ્લેટો નથી. તેથી ચંદ્ર પર ભૂકંપ ક્યાં આવશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. જૂની તિરાડમાં હલચલ થઈ શકે છે અથવા નવી તિરાડ પડી શકે છે, જેથી ચંદ્રના વિવિધ ભાગોમાં ભૂકંપનું જોખમ રહે છે.

નાસા આર્ટેમિસ મિશન દ્વારા ફરી મનુષ્યોને ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. તેથી ત્યાં ભૂકંપના જોખમને સમજવું જરૂરી બન્યું છે. વર્ષ 2024ના એક અભ્યાસમાં મિશન માટે પસંદ કરાયેલી 13 સંભવિત જગ્યાઓ નજીક એવા વિસ્તારો મળ્યા હતા, જ્યાં ભૂકંપની આશંકા છે. ભૂકંપને કારણે ચંદ્રની સપાટી પર માટી અને ખડકો ખસી શકે છે, જેનાથી અંતરિક્ષયાત્રીઓ અને તેમના ઉપકરણોને નુકસાન થઈ શકે છે.

જોકે, આ શોધનો અર્થ એ નથી કે ચંદ્ર પર મનુષ્યોને ઉતારવું અશક્ય છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે ચંદ્રની કેટલીક જગ્યાઓ પ્રમાણમાં સુરક્ષિત છે, તેથી યોગ્ય સ્થળની પસંદગી મહત્વપૂર્ણ છે.